GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ

 

MORBi:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ

 

 

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી કરાઈ; હાલ પણ વિવિધ ટીમ મિશન મોડ પર

આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી સરાહના કરતા ગ્રામીણ વિસ્તારોના સરપંચ અને ગ્રામજનો; સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો

વહીવટી તંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈ મોટી આપત્તિ નિવારી શકાઈ

મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે આવી પડેલી આફત સામે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બનીને ઉભુ રહ્યું છે. વહીવટી તંત્રની સતર્કતાના પગલે જિલ્લામાં કોઈ પણ મોટી આપત્તિનો સામનો કરવો પડ્યો નથી. ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોની સલામતી તેમજ સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

મોરબી જિલ્લામાં રેડ એલર્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી ત્યારથી જ જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની સૂચનાથી તમામ વિભાગોને તેમની કામગીરી અનુસાર ટીમની રચના કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. જે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમની રચના કરી પરિસ્થિતિ અનુસાર સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. નાના બાળકો, સગર્ભાઓ, બીમાર લોકો અને વૃદ્ધ લોકોને આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની તૈયારીઓના પગલે વરસાદી પરિસ્થિતિમાં સગર્ભા મહિલાઓની પ્રસુતિ અને બાળકો તેમજ બીમાર વ્યક્તિઓની સારવાર સહિતની વ્યવસ્થાઓ આશીર્વાદરૂપ સાબિત બની હતી. વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ વરસાદે વિરામ લેતા જ તાત્કાલિક ધોરણે વિવિધ ટીમની રચના કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં રોગચાળા અટકાયતી કામગીરી મહદ અંશે પૂર્ણતાના આરે છે. હાલ પણ જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ડી.બી. મહેતાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના પગલે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તેના કારણે માળિયા અને તેની આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા. જિલ્લાની સ્થિતિ અન્વયે રાજ્ય સરકારમાંથી મળેલી સૂચના અનુસાર પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાવવાની સંભાવના હોવાથી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા જિલ્લામાં ગામડે-ગામડે ફરીને પાણીજન્ય તેમજ મચ્છરથી ફેલાતી બીમારીઓ ન થાય તે માટેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. ઉપરાંત રાજ્ય કક્ષાએથી પણ જિલ્લામાં આરોગ્યની ૨ ટીમ આપવામાં આવી છે. હાલ જિલ્લામાં જરૂરિયાત મુજબ તમામ દવાનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ હાલ રોગચાળાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ છે.

ફિલ્ડમાં રહીને ગામડે ગામડે લોકોના સ્વાસ્થ્ય અંગે કામગીરી કરી રહેલા ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી હિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ અમારા વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે વાહકજન્ય અને પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે અમારી આરોગ્યની વિવિધ ટીમ દ્વારા દરેક ગામમાં ઘરે-ઘરે જઈને એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી છે. બહારના વિસ્તારોમાં પેરાડોમેસ્ટિક કામગીરી પણ કરવામાં આવી છે. જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન એ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોગ્યની ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે તમામ સ્થળોએ દવા છંટકાવવાની કામગીરી કરવામાં આવી છે. આશા વર્કર અને આરોગ્ય સ્ટાફની બહેનો દ્વારા ઘરે ઘરે જઈને ખુલ્લા ટાંકા ટાંકી વગેરે જેવા પાત્રમાં ભરાયેલ પાણી તેમજ બહારના વિસ્તારમાં ખાબોચિયા વગેરે પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાખવામાં આવેલી તકેદારીના પગલે અમારા ગામમાં કોઈ પણ રોગચાળો નથી. ઉપરાંત કોઈ નાની બીમારી વગેરે માટે આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સારી સારવાર કરી આપવામાં આવે છે. સરપંચશ્રીએ આ તકે આ તમામ વ્યવસ્થાઓ માટે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબી જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લામાં લગભગ સ્થળોએ આરોગ્યની ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. ઘરે ઘરે જઈને એબેટ સારવાર દ્વારા ઇન્ડોર પાણીમાં પોરા નાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગમાડાઓમાં લોકોને પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓથી બચવા માટેની કાળજી, બીમારીના લક્ષણો અને સારવાર વગેરે અંગે જૂથ ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આઉટડોરમાં જળાશય સહિતના બંધિયાર પાણીમાં મચ્છરના પોરા નાશક કામગીરી અને ગપ્પી/ગબુંશિયા માછલી મૂકવાની કામગીરી, મચ્છરના ઉપદ્રવ સ્થળોના નાશ માટે દવા છંટકાવની કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી છે અને હાલ પણ કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!