
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-17 એપ્રિલ : તા.૧/૪/૨૦૦૫ પહેલાના રાજ્ય સરકારના કર્મચારીઓ / અધિકારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેક રજૂઆતો અને લડતના કાર્યક્રમો બાદ આ અંગે સત્તાવાર જાહેરાત થયાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ આ કર્મચારી /અધિકારીઓના સી.પી. એસ. ખાતામાંથી જી. પી.એફ. ખાતા ખોલાવવા અંગે વિગતવાર સૂચનાઓ બાબતનો પત્ર ન થતાં સબંધિત કર્મચારીઓમાં ઉચાટ જોવા મળ્યો હતો. આ અંગે રાજ્યસંઘ પાસે રજૂઆતો આવતા રાજ્યસંઘ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી , શિક્ષણ સચિવ, નિયામક વગેરે પાસે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. છેલ્લે તાજેતરમાં સોમનાથ ખાતે મળેલ રાજ્યસંઘની સંકલન બેઠકમાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આગામી ૩૦ એપ્રિલ સુધીમાં જૂની પેન્શન યોજનામાં સમાવવા અને જી.પી. એફ. ખાતા ખોલાવવા અંગેનો પરિપત્ર નહીં થાય તો સંગઠનના પદાધિકારીઓ ભૂખ હળતાલ પર ઉતરશે. રાજ્યસંઘની ચીમકી બાદ આજે આ અંગે રાજય સરકારના નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર થતાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિન પટેલ, કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર વગેરે દ્વારા તેને આવકાર અપાયો છે. તેમણે મુખ્યમંત્રી , શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો છે. આ નિર્ણયથી સબંધિત કર્મચારીઓના ઘેર લાપસીના આંધણ મૂકાયા છે અને ખુશીનું મોજું ફરી વળ્યુ છે.


