
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ભુમિ સુપોષણ અભિયાન માં ખેડૂત ભાઈ ઓ એ ભાગ લીધો.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 09/04/2025 – ડેડીયાપાડા – પૃથ્વી અસ્તિત્વ દિવસ નિમિત્તે તારીખ ૩૦મી માર્ચથી ૩૦મી એપ્રિલ-૨૦૨૫ દરમિયાનના સમયગાળાને ‘ભૂમિ સુપોષણ અભિયાન’તરીકે ઉજવવાનું થાય છે. આ અભિયાનના ભાગ રૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડીયાપાડા (નર્મદા) દ્વારા ભુમિ સુપોષણ અભિયાન અંતર્ગત, તાજેતરમાં જ માથાવલી ગામે જળ અને ભૂમિ સરંક્ષણ અંગે સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો.
કૃષિ ઈજનેરી અને પોલિટેકનિક કોલેજ ડેડીયાપાડા ખાતે જળ અને ભૂમિ સરંક્ષણ અંગે તારીખ ૮.૪.૨૦૨૫ના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૫ જેટલા વિધ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફે ભાગ લીધો હતો. માટીની સુરક્ષા, સંવર્ધન, રસાયણમુક્ત ખેતી, જળ સંરક્ષણ અને ખેતરના શેડાપાળાા પર વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો.
માથાવલી ગામે યોજાયેલા સંકલ્પ કાર્યક્રમની શરૂઆત કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. યુ. વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. જમીનને સજીવન કરવા માટે ખેડૂતોને પ્રેરણા આપી હતી. જમીનને રસાયણ મુક્ત કરવા સેન્દ્રિય ખાતર, અળસીયાનું ખાતર, નીમાઅસ્ત્ર, બ્રમ્હાઅસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે ઘરગથ્થું બનાવાતા ખાતર અને દવા બનાવવાની સમજણ અને તેને સંબધિત વિડીયો પણ બતાવવામાં આવ્યા હતા.
કે.વી.કેના વૈજ્ઞાનિક(ગૃહવિજ્ઞાન) ડૉ.મીનાક્ષી તિવારી જણાવ્યું કે, ભુમિ સુપોષણ અભિયાન હેઠળ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા નષ્ટ થઇ ગઇ છે. તે ઉપરાંત માનવજાતને અનેક જીવલેણ રોગની ભેટ મળી છે. આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી એ સમયની માંગ છે.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, જળસંચય, ગૌ સંવર્ધન તથા પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ સાથે સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહનોએ ભાગ લીધો હતો.



