વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ : કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં કલેક્ટર કચેરી ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ સાથે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. વહીવટી વિભાગોએ જનપ્રતિનિધિશ્રીઓ સાથે સંકલનમાં રહી દરેક કામગીરી નિયત સમયમર્યાદામાં કરવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.સંકલન બેઠકમાં માંડવી મતવિસ્તારના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ તાલુકામાં રોડ- રસ્તાઓ અને પુલોના સમારકામ તથા નિર્માણ, દબાણ હટાવ કામગીરીના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. આ સાથે દિવાળી વેકેશન દરમિયાન માંડવી બીચ પર રમતગતના સાધનોની યોગ્ય ફાળવણી કરવા તથા પર્યટકોની મુલાકાતના કારણે ઉભી થતી ટ્રાફિકની સમસ્યા સામે યોગ્ય આયોજન કરવા રજૂઆત કરી હતી.ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા સિંચાઇના ડેમના સમારકામ, સુખપર- વાંઢ સિંચાઈના ડેમની કામગીરી તથા તાલુકામાં રોડ મરામતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણા ટાઉનહોલનું કામ ત્વરાએ શરૂ કરવા, માતાના મઢ ખાતે નર્મદાની લાઈન પસાર કરવા, તાલુકામાં પશુધનની બીમારી અને મૃત્યુ સામે મળવાપાત્ર થતું વળતર, માંડવીથી ઓખા રો-રો ફેરી શરૂ કરવા બાબતે, નખત્રાણા ખાતે જમીન માપણી, નલીયા સરકારી કોલેજમાં યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રો રાખવા, દયાપર સરકારી કોલેજ, જાબરી ડેમ, તલ-તૈયારી ડેમ તથા છારી-ફૂલાય ડેમ નિર્માણ, કનોજ, ઉખેડા, નરા, ખારડીયા, ખીરસરા-નેત્રામાં વીજ સબ સ્ટેશનોની સ્થિતિ, નખત્રાણા બાયપાસ, વીજ વાયર તથા થાંભલાઓ બદલવાની કામગીરી, સૂર્યોદય યોજના, વિજ કનેક્શનો, નાની સિંચાઈ ડેમ અને કેનાલ રીપેરીંગ તથા સાફ સફાઈ, વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા વગેરે સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ સાથે તાલુકાના અગ્નિવીર ટ્રેનીંગ લીધેલા જવાનો માટે નોકરીની તકો મળી રહે તથા નિવૃત જવાનોને હથિયારના લાયસન્સ બાબતે મૌખિક રજૂઆત કરી હતી.સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને કચ્છ વહીવટીતંત્રના વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.