નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મેળાને ભવ્ય સફળતા; કૃષિને લાગતી નવી ટેકનોલોજીના ૧૨૦ સ્ટોલોની ૪૦૦૦૦થી વધુ ખેડૂતો મુલાકાત લઈ જાણકારી મેળવી..
*૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાથી ૭૦૦૦ થી વધારે ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલ ના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળો – ૨૦૨૪ નું ઉદ્દઘાટન તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ નવસારીના પ્રજાવત્સલ અને લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
કૃષિ મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાથી ૭૦૦૦ થી વધારે ખેડૂતભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શનમાં કૃષિ યુનિવર્સિટી, વિવિધ સખી મંડળો, સહકારી મંડળીઓ, એનજીઓ, એફપીઓ, વિતરકો તથા ખેતી સંલગ્ન કંપનીઓ દ્વારા ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાંથી ૧૫૦૦૦ થી વધારે ખેડૂત મિત્રો અને શહેરીજનોએ આ કૃષિ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી.
કૃષિ મેળાના બીજા દિવસે આશરે ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ ખેડૂતો અને શહેરીજનોએ ભાગ લીધો હતો. આ દિવસે કૃષિ મેળાની મુલાકાત માટે શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણિયા અને સુમુલ ડેરી, સુરતના ચેરમેનશ્રી માનસિંગભાઇ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલીના ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સીઇઓ ડૉ. દિનેશભાઇ શાહ અને પ્રોવોસ્ટ ડૉ. યોગેશ્વર કોસ્ટાની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૫ વર્ષ પછી યોજાયેલ કૃષિ મેળામાં ખેડૂતો અને શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલા ખેડૂતો આ મેળાની મુલાકાત લઈ જાણકારી પ્રાપ્ત કરી હતી. કૃષિ પ્રદર્શન સ્ટોલધારકો પણ ખેડૂતો અને શહેરીજનોના પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલે સમગ્ર ત્રણ દિવસ દરમ્યાન સતત કૃષિ મેળામાં ખેડૂતો અને મુલાકાતીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કરતાં રહી એક અનુકરણીય ચીલો ચાતર્યો હતો.



