GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૫-૨૬ના અમલ અંગે મંત્રીશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજિત રૂ. ૬૪૪૧.૪૧ લાખની જોગવાઈ સામે અંદાજિત રૂ.૮૦૧૮.૮૭ લાખના ૧૩૪૨ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત પદાધિકારીઓએ બહાલી આપી હતી.

બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ‘ન્યુ ગુજરાત પેટર્ન ૨૦૨૫-૨૬’ યોજના અંતર્ગત ગત મીટીંગના કામોને બહાલી, વર્ષ-૨૦૨૫-૨૬ માટે સદર અનુસાર જોગવાઇઓ અને ફાળવવામાં આવેલ કામોની વિગતવાર સમિક્ષા કરી કામો યોગ્ય ગુણવત્તામાં થાય અને સમયસર કામગીરી પૂરી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ યોજના હેઠળ ફાળવેલી ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગિય દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન ૯૬% અને ૦૪% વિવેકાધિન સંભવિત જોગવાઇના ૨૦૨૫-૨૬ અંતર્ગત જિલ્લામાં સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, આરોગ્ય, અ.જ.જા અને પ.વ.ક, શ્રમ અને રોજગાર, મધ્યાહન ભોજન, પોષણ, પાક વ્યવસ્થા, બાગાયત, પશુપાલન, ડેરી વિકાસ, વન નિર્માણ, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, ઉર્જા વિકાસ, ગ્રામ્ય અને લઘુ ઉધ્યોગ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, પાણી પુરવઠો યોજનાઓ અંગે જોગવાઇ અને કામો અંગે ચર્ચા કરી વિગતવાર માહિતી આપી હતી.
પ્રાયોજના વહિવટદાર એ તાલુકા અનુસાર ન્યુ ગુજરાત પેટર્ન વિવેકાધિન સંભવિત જોગવાઇના ૨૦૨૫-૨૬ અંતર્ગત કામો અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, વલસાડ લોકસભા વિસ્તારના સાસંદ શ્રી ધવલ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી નરેશ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, અનંત પટેલ, તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિતના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!