
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય ઓ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એ કચ્છના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની કરી રજૂઆત.
ભુજ,તા૨૧ ફેબ્રુઆરી : કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના શિકારપુર ખાતે ગેટકો ફીડરનું કામ, નર્મદા કેનાલથી પાણી વિતરણ સહિત નાગરિકોને ઝડપથી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ મીટિંગ દરમિયાન સરકારી વિકાસકાર્યો માટે જમીન સંપાદન પ્રક્રિયા, એસટી નિગમ દ્વારા મુસાફરો માટે નવા રૂટની ફાળવણી, ખેડૂતોને ઝડપથી વીજ કનેક્શન, સમગ્ર જિલ્લામાં શિક્ષણને લગતી માળખાકીય સુવિધાઓમાં વધારો, શાળાઓના ઓરડાના નવીનીકરણ માટે સંયુક્ત રીતે સર્વેની કામગીરી, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન, સેવનસ્કાય સહિત ભુજના રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવરનું નિર્માણ, ભુજ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા બાયપાસ માટેની દરખાસ્ત અને જમીન સંપાદન, જન સુવિધાઓ માટે વોકવેનું નિર્માણ, ભાડા સહિતના વિભાગોને સાથે રાખીને ભુજ શહેરમાં વિકાસકાર્યોનું અમલીકરણ અને ભુજ નાગોર તેમજ ભુજ રેલ્વે સ્ટેશન સાથેના વિવિધ રસ્તાઓનો વિકાસ અને સાફસફાઈ, પાણી વિતરણ, પ્રવાસન વિકાસ વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લામાં નાગરિકોને સરકારી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા સાંસદશ્રીએ જણાવ્યું હતું. ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે સમગ્ર જિલ્લામાં પાણીના વિતરણનું ઉત્કૃષ્ટ માળખું બનાવવા, બન્ની પાણી પુરવઠામાં પૂરતું પાણી આપવા, ઓગન રિપેર અને સિંચાઈના કામો ગુણવત્તાયુક્ત રીતે કરવા, કચ્છ જિલ્લામાં જળ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા અને ભુજ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા સુદઢ બને તે માટેનું ચોક્કસ આયોજન તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે બાયપાસની કામગીરી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણામાં ટાઉનહોલનું કાર્ય, દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી-છારી ફૂલાય ખાતે ડેમ નિર્માણ માટે જમીન સંપાદન, ધાવડા માટે રેવન્યૂ હક્કપત્ર, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, ગજણસર ગામનું રેવન્યૂ રેકર્ડ લુડબાય જૂથ ગામ પંચાયતમાંથી કમી કરીને આમારા ખાતે તબદીલ કરવા, સારણ મોટી ગામનો રેવન્યૂ પ્રશ્ન, અબડાસા તાલુકામા પોસ્ટ ઓફિસની કામગીરી, અકસ્માતથી પશુ મૃત્યુ કિસ્સામાં વનતંત્ર દ્વારા કાર્યવાહી, નવા વીજ કનેક્શન, દબાણ રજિસ્ટરની નિભાવણી, આંગણવાડી બહેનોને ગ્રેજ્યુઅટીની ચૂકવણી, સિમેન્ટ કંપનીમાં સ્થાનિકોને રોજગારી, પાક રક્ષણ માટેના જમા કરાયેલા હથિયારોને ખેડૂતોને પરત આપવા, માતાના મઢ પરિસર વિકાસ માટે જમીન સંપાદન, મોબાઈલ નેટવર્ક, ભુજથી રણુજા નવી બસ સેવા, અરલ મોટી ગામના સ્થાનિકનો રેવન્યૂ પ્રશ્ન, સાન્ધ્રોવાંઢ ગામને ડેરી પોર્ટલમાં સમાવિષ્ટ કરવા કામગીરી, લખપત સહિત અબડાસાની વિવિધ શાળાઓમાં નવીન ઓરડાનું કાર્ય, પશુઓના સ્થળાંતર માટે વાહન પાસ, ભારે વાહનોનું નિયમન, આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમન ડ્રાઈવ, ગોધાતડ અને કાટયા ગામની જમીનની વનવિભાગને સોંપણી નહીં કરવાની ગ્રામજનોની રજૂઆત વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડાએ સિંધોડી સહિતના ગામોને શુદ્ધ પેયજળ પુરુ પાડવા, પ્રજાઉ અને સિંધોડી ગામના ખેડૂતોની જમીન રેવન્યૂ રેકર્ડનો દરજ્જો, અબડાસાના કનકપર, વિંઝાણ, આમરવાંઢ વગેરે શાળાઓના બિલ્ડીંગ કામની પ્રગતિ, સણોસરાથી નલીયા રસ્તાઓને પાણી ભરાવથી બચાવવા અન્ડરપાસ બનાવવા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નો અંગે સબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને નાગરિકોને ઝડપથી જનસુવિધાઓ ઉપલબ્ધ થાય અને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ત્વરિત કામગીરી કરવા સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ સ્થળ વિઝિટ કરીને જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનો ઉકેલ આવે તે રીતે આયોજનબદ્ધ રીતે પ્લાનિંગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત કચ્છના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









