જિલ્લા ક્ષય કેન્દ્ર,મહેસાણા દ્રારા “જિલ્લા ટીબી ફોરમ કમિટી” ની બેઠક ગતરોજ જિલ્લા મેજીસ્ટ્રેટ કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
૧૦૦ દિવસના કેમ્પેઇનમાં દેશના કુલ ૩૪૭ જિલ્લાઓમાં મહેસાણાનો સમાવેશ
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર .મહેસાણા
જિલ્લા ક્ષય કેન્દ્ર,મહેસાણા દ્રારા “જિલ્લા ટીબી ફોરમ કમિટી” ની બેઠક ગતરોજ જિલ્લા મેજીસ્ટ્રેટ વ કલેકટરશ્રી એમ.નાગરાજનની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લા ક્ષય અધિકારીશ્રી ર્ડા.અંજુ એમ.પરમાર દ્રારા જિલ્લામાં કાર્યરત ટીબી કાર્યક્રમ અંતર્ગત તમામ ઇન્ડીકેટરની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં ૭મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ચાલુ થનાર “૧૦૦ દિવસ ટીબી કેમ્પેઇન” ના મુખ્ય હેતુ ટીબીના નવા કેસ શોધવા અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમાં સુધાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
૧૦૦ દિવસના કેમ્પેઇનમાં ભારત સરકારશ્રી દ્વારા સમાવિષ્ટ દેશના કુલ ૩૪૭ જિલ્લાઓમાં મહેસાણાનો સમાવેશ કરેલ છે. જિલ્લાના ટીબી માટેના વલ્નરેબલ પોપ્યુલેશન જેવા કે છેલ્લા ૫ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓ, છેલ્લા ર વર્ષના ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી વધુ આયુ ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદીવાન તેમજ અન્ય હાઇ રીસ્ક લોકોની લક્ષણો મુજબ ગળફાની તપાસ તથા એકસ-રે ની કામગીરી થનાર છે.
આ ઝુંબેશને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ઉપરાંત, જિલ્લાના અન્ય વિભાગો, નાગરિક સમાજ સંગઠન, સ્વૈચ્છીક સંસ્થાઓ, સહકારી અને અન્ય સમુદાયના સંગઠનો/ફેડરેશનોની સક્રિય અને સહયોગી ભાગીદારી જરૂરી છે. આ ઝુંબેશને જનભાગીદારીમાં રૂપાંતરિત કરવા માટે જનપ્રતિનિધિઓને કાર્યક્રમમાં સાંકળવા બાબતે કલેકટરશ્રી દ્રારા સૂચન કરવામાં આવ્યું હતુ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.હસરત જૈસ્મીન દ્રારા આ સઘન ટીબી નાબૂદી ઝૂંબેશ (100 days campaign) ને તમામ નાગરિકોનો સહકાર મળી રહે તેવી આશા સાથે બેઠક પૂર્ણ કરવામાં આવેલ.
આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ની ઝૂંબેશને સકારાત્મક દિશામાં આગળ ધપાવવામાં આવશે. આ બેઠ્કમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કાપડીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ. ગોપીબેન પટેલ તથા કમિટીના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.