Rajkot; કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અંગેની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કલેક્ટરશ્રીએ વાહકજન્ય રોગોના કેસોનો ચિતાર મેળવી જરૂરી સૂચનો કર્યા
Rajkot: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં સંચારી રોગ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વાહકજન્ય રોગોને અટકાવવા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં નોંધાયેલા રોગચાળા સર્વેલન્સ અને રોગ અટકાયતી પગલાં વિશે સૂચના આપી હતી. પીવાના પાણીનું ક્લોરીનેશન, ક્લોરીન ટેસ્ટ, બેક્ટેરીયોલોજિકલ તપાસ તથા પાઈપલાઈન લીકેજ નોંધણી અને રીપેરીંગ અંગે ચર્ચા કરી હતી. ટી.સી.એલ. પાઉડર, જંતુનાશક દવાઓ, મેલેરિયલ ઓઇલ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી. તેમજ રેસ્ટોરન્ટ, લોજ સહિત ખાણીપીણીના સ્થળો, બરફ અને બરફની બનાવટોના કારખાનાઓની તપાસ ચાલુ રાખવા તથા આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હીપેટાઇટીસ, કોલેરા, ટાઈફોઈડ સહિત ચેપી રોગોના નિદાન અને સારવાર માટે મશીનરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને વાહકજન્ય રોગોના કેસોનો ચિતાર મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન ફોગિંગ મશીનનો ઉપયોગ અને તેનું નિયમિત મેન્ટેનન્સ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફૂલમાળી, ડી.એમ.ઓ.શ્રી જી.પી.ઉપાધ્યાય, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ઘનશ્યામભાઈ મહેતા સહિત આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, એઈમ્સ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.