વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૩૦ ડિસેમ્બર : સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારના કચ્છ જિલ્લાની મુલાકાતે છે. આજરોજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજના પંવારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ભુજ કચ્છ ખાતે સફાઈ સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સફાઈ કામદારો અને વિવિધ એજન્સીઓના કોન્ટ્રોક્ટર્સ હાજર રહ્યા હતા.રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે આ બેઠકમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉદ્ધાર થાય તે ખૂબ જ મહત્વનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનશ્રીના પ્રયાસોને ઉપાધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોને પોતાના હક્કો પ્રાપ્ત થાય, સમાજમાં સફાઈ કામદારોનું સ્થાન જળવાઈ રહે, સફાઈ કામદારોના કામને બિરદાવવામાં આવે તે દિશામાં કામગીરી ખૂબ જ મહત્વની છે.આ સમીક્ષા બેઠકમાં સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારે સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતોને સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, વારસદાર રહેમરાહે નોકરી, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, સફાઈના સ્થળે ચેન્જિંગ રૂમની સુવિધા, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક, સફાઈ કામદારો માટે કમ્યુનિટી સેન્ટરનું નિર્માણ વગેરે બાબતોની રજૂઆતોને સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેક્ન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીશ્રીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પંવારની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અને નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરશ્રી અનિલ જાદવ, નાયબ નિયામક અનુસૂચિત જાતિશ્રી વિનોદ રોહિત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાંત અને એ.વી.રાજગોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવની દવે, જિલ્લા શ્રમ અધિકારીશ્રી ચિંતન ભટ્ટ અને હાર્દિક પટેલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ, તમામ ચીફ ઓફિસરશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ સફાઈ કર્મચારી મંડળ અને એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.