તા.૨૭.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ, દારુ, ડીજે અને ઊંચા વ્યાજનું દેવું દૂર કરવાના અભિયાન દરમિયાન સમાજને ભીલ સમાજ પંચની જરૂરિયાત વર્તાઈ હતી. તેથી ત્રણેય જિલ્લાના ભીલ સમાજના આગેવાનોએ સાથે મળીને ભીલ સમાજ પંચની રચના કરવા માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ મુસદ્દો આજ તા.૨૭.૧૦.૨૦૨૪ ના રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે મળેલી ત્રણેય જીલ્લા ના આગેવાનો ની મિટિંગમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો અને સૌએ તેનો સ્વીકાર કર્યો હતો. ભીલ સમાજ પંચના બંધારણ મુજબ તેના અધ્યક્ષ તરીકે માનનીય મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોડ સાહેબ તથા ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા.ભીલ સેવા મંડળના અધ્યક્ષ શાંતિલાલ નિનામા ગુરુજી, સમાજના આઈએએસ અધિકારી આર.એસ નીનામા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા અભિષેક ભાઈ મેડા સાહેબ, નિવૃત્ત અધિક કલેકટર એસ.એસ બારીયા, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના ઉપ પ્રમુખ ડો. અનિલભાઈ બારીયા રાવજીભાઈ માવી સાહેબ સહિત ત્રણે જિલ્લાના ભીલ સમાજના અનેક આગેવાનો આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. ભીલ સમાજની રચના થયા પછી તરત જ આજની પ્રથમ મીટીંગમાં જ ભીલ સમાજ પંચનું લગ્ન બંધારણ મંજૂર કરીને સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. તથા તાલુકા ભીલપંચો, ૧૨- ગામ ભીલ પંચો, ગામ ભીલપંચો અને ફળિયા ભીલ પંચોની રચના અને ગઠન કરવા માટે પણ ઠરાવવામાં આવ્યું હતું. ભીલ સમાજ પંચ ની મીટીંગો દર મહિને મળશે અને સમાજને લગતા તમામ મુદ્દાઓ પર દર મહિને વિચાર વિમર્શ કરીને જરૂરી નિર્ણયો તેમજ કાર્યવાહી કરવામાં આવશે. ભીલ સમાજ પંચની રચના થવાથી ભીલ સમાજ ને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તથા સમાજની ઝડપી પ્રગતિ થશે તેવો આશાવાદ સૌ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયને એક ઐતિહાસિક કાર્ય લેખાવ્યો હતો