GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં જનજાતિય ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા તા.૧ થી ૧૫મી નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારી કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન નવસારી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથ યાત્રા અંગેની વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રથ યાત્રા રાજ્યના વિવિધ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં યોજાનાર છે. નવસારી જિલ્લામાં ગણદેવી તથા વાંસદા તાલુકામાં જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ, ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યકક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમ તા.૧૫મી નવેમ્બરના રોજ એકતાનગર ખાતે યોજાશે. જ્યારે ૧૪ જિલ્લાઓમાં કુલ-૨૬ સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. નવસારી જિલ્લામાં જનજાતિય ગૌરવ રથ યાત્રા રૂટ મુજબ તા.૦૮મી નવેમ્બર રોજ ખેરગામ, રૂમલા, રાનકુવા, વાસંદા અને ઉનાઇ પહોચશે.

Back to top button
error: Content is protected !!