
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા -૨૧ જાન્યુઆરી : ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી અમતિ અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાને માહિતગાર કરવામાં આવ્યા હતા. જે બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક પેદાશોના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ રાષ્ટ્રીયકક્ષાના ધારાધોરણ મુજબના સ્ટોરેજ યુનિટની સ્થાપના, પ્રોસેસિંગ પ્લાન્ટ, નેચરલ ફાર્મ સ્ટે, એફપીઓ અને નાબાર્ડ જેવી સંસ્થાઓ સાથેના સંકલનથી વિવિધ સુવિધાઓનો વિકાસ અને જીવામૃત/ઘનામૃત માટે ગૌશાળાઓને જોડવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો.આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે.તલાટીએ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયત્નોથી અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણથી કચ્છ જિલ્લામાં ગત વર્ષ કરતા અંદાજે ૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. આમ હવે કચ્છ જિલ્લામાં ૪૬ હજારથી વધારે ખેડૂતો નાના મોટા પાયે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. શ્રી પી.કે.તલાટીએ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે કલસ્ટર બેઈઝ કામગીરી, ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા, પાંચ ગ્રામ પંચાયતના કલસ્ટરદીઠ તાલીમ, જિલ્લા અને તાલુકાકક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો સહિત વગેરે વિગતોની જાણકારી આપી હતી. પ્રાકૃતિક કૃષિથી જે ખેડૂતોને ફાયદો થયો છે એવા ખેડૂતોના ફાર્મની મુલાકાત અન્ય ખેડૂતોને કરાવવા સહિતના મુદ્દાઓ અંગેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકમાં નાયબ પશુપાલન નિયામકશ્રી આર.ડી.પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રી પી.કે.પટેલ, મદદનીશ ખેતી નિયામકશ્રી સાગર પરમાર, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા, જિલ્લા રજિસ્ટ્રારશ્રી મેઘા અગરવાલ, આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.





