BHUJGUJARATKUTCH

વિકાસશીલ તાલુકાઓ લખપત અને રાપરમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો પ્રારંભ: કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સંપૂર્ણતા અભિયાન ૨.૦ હેઠળ પોષણ, શિક્ષણ અને પશુપાલન જેવા મહત્વના ૬ નવા સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વહીવટીતંત્ર દ્વારા કરાશે કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી લખપત અને રાપર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન ૨.૦ અંતર્ગત વિવિધ વિભાગો એક્શન પ્લાન સાથે કરશે કામગીરી.

ગત વર્ષે કચ્છ જિલ્લાએ લખપત અને રાપર તાલુકામાં ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ ના તમામ ૬ સૂચકાંકોમાં ૧૦૦% કામગીરી કરીને રાજ્યકક્ષાએ મેળવી હતી સિદ્ધિ

ભુજ,તા-૦૯ ફેબ્રુઆરી : કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ રાપર અને લખપત માટે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના અમલીકરણ અંગેની મહત્વની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે. જેથી ૨૮ જાન્યુઆરીથી લઈને ૧૪ એપ્રિલ સુધી લખપત અને રાપર તાલુકામાં ૦૬ ઈન્ડીકેટર્સ સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે બેઠકના પ્રારંભે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે ગત વર્ષના ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ ની કામગીરીની પ્રસંશા કરીને રાજ્યકક્ષાએ ગોલ્ડમેડલ પ્રાપ્ત કરવા બદલ ટીમ કચ્છને અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે પણ નાગરિકોના હિતમાં નવા ઈન્ડીકેટર્સમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરીને તાલુકાના વિકાસમાં સહભાગી બનવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ નવા લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા, અમલીકરણ વિભાગો દ્વારા સૂચારું પ્લાનિંગ કરવા અને સમયાંતરે રિવ્યૂ કરવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેઓએ જે પણ કામગીરી સંપૂર્ણતા અભિયાનના બીજા ફેઝમાં કરવામાં આવે તેનું યોગ્ય રિપોર્ટિંગ થાય તે બાબતને પ્રાથમિકતા આપી હતી. બંને તાલુકામાં પ્રાંત અધિકારીશ્રીને લક્ષ્યાંકો હાંસલ કરવા માટેના એક્શન પ્લાનનું મોનિટરિંગ કરવા કચ્છ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું જેથી જરૂરિયાતમંદ નાગરિકો તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ બંને વિકાસશીલ તાલુકામાં ઉપલબ્ધ કરાવી શકાય. જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સૌ અધિકારીશ્રીઓને અવગત કરાવીને જણાવ્યું હતું કે, ટીમ વર્કથી કોઈપણ પ્રકારના લક્ષ્યાંકોને હાંસલ કરી શકાય છે. આયોજન અધિકારીશ્રીએ બંને તાલુકામાં ગ્રાઉન્ડ પર જઈને અધિકારીશ્રીઓને ખુટતી કડીઓ શોધીને તેને પૂર્ણ કરવા જણાવ્યું હતું. નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા ઈન્ડીકેટર્સ મુજબ આયોજનબદ્ધ રીતે અને એક્શન પ્લાન સાથે સૌ અધિકારીશ્રીઓ કામગીરી કરે તે બાબત પર જિલ્લા આયોજન અધિકારીશ્રીએ ભાર મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશમાં ૫૧૩ એસ્પિરેશનલ તાલુકાની પસંદગી કરવામાં આવી છે. જેમાં કચ્છમાંથી રાપર અને લખપત તાલુકાને આવરી લેવાયા છે. આ અભિયાનનો બીજો તબક્કો ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬થી ૧૪મી એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ૬ નવા સૂચકાંકોને નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૬ મહિના થી ૬ વર્ષના બાળકોને નિયમિત પૂરક પોષણ આપવું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પ્રવેશને પ્રાધાન્ય, આંગણવાડીઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવી, શાળાઓમાં કન્યાઓ માટે પૂરતી શૌચાલય સુવિધાનું નિર્માણ અને પશુઓમાં એફ.એમ.ડી. (FMD) રસીકરણની કામગીરીનો સમાવેશ થાય છે. રાપર અને લખપત તાલુકામાં આ ૬ નવા સૂચકાંકોને લક્ષ્યમાં રાખીને ૧૦૦ ટકા કામગીરી થાય તે માટે સંબંધિત વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અને તેનું અમલીકરણ કરાશે.એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓને ‘સંપૂર્ણતા અભિયાન’ના સુચારું અમલીકરણ માટેની સુપરવિઝનની જવાબદારી પણ આપવામાં આવી છે. એસ્પિરેશનલ તાલુકાઓનો અસરકારક અને ઝડપથી વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક સંયુક્તપણે જવાબદારી નિભાવી રહી છે. તાલુકાઓમાં આયોજન, અમલીકરણ, ક્ષમતાઓનું નિર્માણ અને જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારે વિકાસલક્ષી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ હેઠળ કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાએ આરોગ્ય, પોષણ અને કૃષિ ક્ષેત્રના તમામ ૬ મુખ્ય સૂચકાંકોમાં ૧૦૦% સંતૃપ્તિ હાંસલ કરી હતી. જેને બિરદાવીને રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મદદનીશ કલેક્ટર અને નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ઉત્કર્ષ ઉજ્જવલ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયા પ્રજાપતિ, આંગણવાડી પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, સંશોધન મદદનીશશ્રી બિનલબેન સુથાર સહિત જિલ્લા આયોજન કચેરી, પશુપાલન, આરોગ્ય, જિલ્લા અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!