KVK નવસારી ખાતે હળદર અને મરી મસાલા પાકો અંગે બે દિવસીય ખેડૂત પરિસંવાદ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી નકૃયુ, નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ ડૉ. હેમંત શર્માએ ઉપસ્થિત ખેડૂતોને યુનિવર્સિટીની વિવિધ ટેકનોલોજીનો વધુ લાભ લઈને એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવવા અને ઉત્પન્ન થયેલ ખેતપેદાશમાં મૂલ્યવૃધ્ધિ કરી સ્માર્ટ ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદમાં જનીન વિદ્યાવિભાગના ડૉ. રીતેશ પટેલે ખેડૂતો માટે વહેલી અને ઓછા પાણીએ પાકતી હળદરની નવી જાત ગુજરાત નવસારી હળદુર-૪ તથા અન્ય જાતોની લાક્ષણિકતાઓ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપી હતી. ડૉ. પંકજ ભાલેરાવે ઘનિષ્ઠ પાક વાવેતરમાં આંબા, ચીકુ અને નાળિયેરની વાડીમાં હળદરના પાક સફળતાપૂર્વક કેવી રીતે લઈ શકાય તે વિશેની માહિતી પૂરી પાડી હતી.
પ્રગતિશીલ ખેડૂત અને અંબિકા હળદર ફાર્મ, જામલાપાડાના શ્રી કાશીરામ બિરારીએ હળદર અને અન્ય પાકો પ્રાકૃતિક/સજીવ ખેતીથી ઉત્પન્ન કરી જાતે જ મૂલ્યવૃધ્ધિ કરી સીધા ગ્રાહકને વેચવા માટે ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પરિસંવાદમાં હળદર અને અન્ય પાકમાં આવતા રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે વૈજ્ઞાનિક ડૉ.એચ.પી.પટેલે ઉંડાણપૂર્વક સમજણ આપી હતી. આ પરિસંવાદમાં નવસારી જીલ્લાના ૮૦ થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી ખેતીમાં મૂંઝવતાં પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું તથા આ પ્રસંગે ખેડૂતોને યુનિવર્સિટીના વિવિધવિભાગો જેવા કે નોવેલ પ્રવાહી ખાતર, એ.આઈ.સી.આર.પી.પાલ્મ, પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ, કેવિકે ફાર્મની મુલાકાત વગેરે દ્વારા પ્રત્યક્ષ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.



