Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આઈ.ટી.આઈ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓની ૧૦૦ જેટલી આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે પ્રત્યેક આઈ.ટી.આઈ.ને ૬૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
Rajkot: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે આઈ. ટી. આઈ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર તાલુકામાં થઈ રહેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝને જરૂરિયાત મુજબનો મેનપાવર તૈયાર કરીને તેના આધારે નવા સત્રથી ટ્રેડ શરૂ કરવા, હેન્ડીક્રાફ્ટ, પટારા ઉદ્યોગ, પારા વર્કનો ગૃહ ઉદ્યોગ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બહેનો અને યુવાનોને રોજગારી પૂરી પાડવા, તેમને અનસ્કિલ માંથી સેમી સ્કિલ અને સ્કિલ્ડ પર્સન બનાવવા માટે વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આઈ.ટી.આઈ.ના નાયબ નિયામક શ્રી કૌશિક કંજરીયા અને કે.બી. પટેલએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની માંગ અનુસાર આઈ.ટી.આઈ દ્વારા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, હેલ્થ કેર, સોલર ટેક્નિશિયન, વિન્ડ પાવર ટેક્નિશિયન, ફાઈબર ટુ હોમ ટેક્નિશિયન, રોબોટિક્સ, લોજિસ્ટિક્સ આસિસ્ટન્ટ, સેમિકંડક્ટર જેવા ન્યુ એજ કોર્સ લાંબા ગાળા કે ટુંકા ગાળાના કોર્ષ તરીકે શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓની ૧૦૦ જેટલી આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે પ્રત્યેક આઈ.ટી.આઈ.ને ૬૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
વિવિધ કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની માંગને ધ્યાને લઈને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના યુવાનો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં આઈ.ટી.આઈ – રાજકોટ, ગોંડલ, કોટડા સાંગાણી, પડધરી, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, વીંછીયા, જસદણના આચાર્યશ્રીઓ, રોજગાર અધિકારીશ્રી, લેબર ઑફિસરશ્રીઓ, એપ્રેન્ટિસશીપ એડવાઈઝરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



