
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ સપ્ટેમ્બર : સ્વચ્છતા હી સેવા-૨૦૨૪, “સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” ના સૂત્રને સાર્થક કરવા આજરોજ કચ્છ જિલ્લામાં ગ્રામ્યસ્તરે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા ઝુંબેશની સઘન કામગીરીના ભાગરૂપે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવા, નાગરિકોની ભાગીદારી વધારવા અર્થે તા. ૩૧ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અન્વયે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ કચ્છભરમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કચ્છ જિલ્લામાં બાળકો દ્વારા સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ સામૂહિક રીતે જાહેર સ્થળોની સાફ સફાઈ જેવા કાર્યક્રમો થકી સ્વચ્છતાનો સંદેશો અપાયો. અંજાર તાલુકાના સંઘડ અને નાગલપર ખાતે બાળકો દ્વારા સફાઇ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રાપર તાલુકાના વલ્લભપર, ધાણીથર, માખેલ, ફતેહગઢ, લોદ્રાણી અને સુવઇ ખાતે રેલી અને વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. ગાંધીધામના અંતરજાળ ખાતે રેલીના માધ્યમથી બાળકોએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. લખપત તાલુકાના પુનરાજપર તેમજ નારાયણ સરોવર ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.



				


