અમદાવાદમાં ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો પ્રારંભ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: હિન્દુ સમાજની આધ્યાત્મિક અને સેવાકીય પ્રતિકૃતિ પ્રદર્શિત કરતા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું અમદાવાદમાં ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ મેળાનો પ્રારંભ કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહયોગી સંસ્થા હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આ મેળાનું આયોજન 23 થી 26 જાન્યુઆરી દરમિયાન કરાયું છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહના પ્રેરક ઉદ્દબોધન
આ પ્રસંગે જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોકસમક્ષ મૂકવાનું કાર્ય આ મેળા દ્વારા થયું છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વર્ષોથી નિલંબિત પ્રશ્નોનું સમાધાન થયું છે. તેમણે કલમ 370, રામ મંદિર નિર્માણ, ત્રીપલ તલાકનો ઉલ્લંઘન, નાગરિકતા કાનૂન, અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા મુદ્દાઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદબોધન
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ધર્મ પરાયણતા અને સેવાકીય ભાવનાના પાયા પર નિર્મિત છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતના યોગ, આયુર્વેદ અને પર્યાવરણ જતન જેવા મુદ્દાઓને વૈશ્વિક માન્યતા મળી છે.
મુખ્યમંત્રીએ મિશન લાઈફના ઉલ્લેખ સાથે કહ્યું કે, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જાળવતી જીવનશૈલી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા સંસ્કૃતિ અને સેવાને આગળ ધપાવવા સહયોગી ભૂમિકા ભજવાઈ રહી છે.
ભૈયાજી જોશી દ્વારા માર્ગદર્શન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૈયાજી જોશીએ હિન્દુ ધર્મના આધારભૂત મૂલ્યો અને માનવતાના ભાવનો ઉલ્લેખ કર્યો. તેમણે ઉમેર્યું કે, હિન્દુ સમાજ સંહારક નહીં પરંતુ સંરક્ષક છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી હિન્દુ ધર્મ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે.
મેળાનું આકર્ષણ અને વિશિષ્ટ સ્ટોલ
આ મેળામાં 250થી વધુ સેવાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. અહીં રાણી અહલ્યાબાઈ હોલકરના જીવનપ્રવાહ પર આધારિત પ્રદર્શન, વિવિધ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળાના જીવંત દર્શન અને ગંગા આરતી જેવા કાર્યક્રમો લોકઆકર્ષણનું કેન્દ્ર રહ્યા.
પ્રેરક ઉપસ્થિતિ
આ પ્રસંગે ભવ્યજનસંભામાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સ્વામી લલિતકિશોરદાસ મહારાજ, માધવપ્રિયદાસજી મહારાજ, અને અનેક પ્રબુદ્ધ નાગરિકો, સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને સમર્થન અને સેવાને પ્રેરણા મળે છે, અને આ મેળો સંસ્કૃતિપ્રેમી અને ધર્મ પરાયણ નાગરિકો માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહે છે.