Vichchhiya: વિંછીયા પંથકમાં ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડવાળી નવી હોસ્પિટલ બનશે : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના લાલાવદર ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણનું ખાતમુહૂર્ત
Rajkot, Vichchhiya: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિંછીયા પંથકમાં રૂપિયા ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આશરે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે.
વિંછીયા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે મંત્રી શ્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, જસદણ તથા વિંછીયા તાલુકાના લોકોને ડાયાલીસીસ માટે રાજકોટ જવું ના પડે તે માટે, જસદણની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અમરાપુરમાં પણ આ સુવિધા શરૂ થઈ ગઈ છે.
આ તકે તેમણે દેવપરાના પાટીયા નજીક રૂ. ૨૭ કરોડના ખર્ચે નવી આધુનિક મોટી હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિંછીયા તથા જસદણ તાલુકાના મોટાભાગના ગામોમાં દવાખાના કે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર થકી આરોગ્યલક્ષી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ બંને તાલુકામાં આરોગ્ય કર્મચારીઓમાં મોટાભાગનો સ્ટાફ પણ સ્થાનિક હોવાનું તેમણે જણાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોને વ્યસનની બદીઓથી ખાસ દૂર રહેવા તેમજ નવા પેટા આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કરવા તેમજ ગામમાં સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરી હતી.
રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મંત્રી શ્રી કુંવરજીભાઈના પ્રયાસો થકી ટૂંકા ગાળામાં નવા ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત વિંછીયા તાલુકામાં ૨૦ તેમજ જસદણ તાલુકામાં ૨૦ મળીને ૪૦ જેટલા નવા પેટા આરોગ્ય કેન્દ્રો બની ચૂક્યા છે.
તેમણે આયુષ્યમાન ભારત તેમજ આભા કાર્ડ અંગેની વિગતો પણ લોકોને આપી હતી. તેમજ લોકોને વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં વિંછીયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજા ખાંભલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શ્રી દેવાભાઈ ગઢાદરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, ઈન્ચાર્જ તાલુકા મામલતદાર શ્રી ડી.જી. આચાર્ય, લાલાવદર ગામના સરપંચ શ્રી ભોળાભાઈ મેટાળીયા, તાલુકા પંચાયતના સદસ્યો, આસપાસના ગામોના સરપંચો, અન્ય સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, લાલાવદર ગામમાં રૂપિયા ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રમાં એક્ઝામિન રૂમ, વેઇટિંગ એરીયા, લેબર રૂમ, ટોયલેટ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, બાથરૂમ, ટોયલેટ જેવી સુવિધાઓ બનાવવામાં આવશે.