
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામાં આજે નશાબંદી અંગે જાગૃતિ ફેલાવવા પ્રતિજ્ઞા સમારોહ તથા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ અભિયાનને બળ આપ્યું.
વિદ્યાર્થીઓએ “નશો છોડો – જીવન અપનાવો”, “સ્વસ્થ સમાજ – દેશનો વિકાસ” જેવા નારા સાથે ગામમાં રેલી કાઢી અને નશાના દૂષણ અંગે જાગૃતિ ફેલાવી. ગામજનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા અને નશામુક્ત સમાજ માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
કાર્યક્રમને સફળ બનાવવા રંગપુર ગામની સરપંચ હેમાબેન જયંતીભાઈ માહલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. એમણે નશામુક્તિ અભિયાનને સમાજના ભવિષ્ય સાથે જોડાયેલ મુખ્ય જવાબદારી ગણાવી અને યુવાનોને નશો છોડીને પ્રગતિના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા.
શાળાના આચાર્ય નીતાનભાઈ પાઠક, શિક્ષકમિત્રો અને ગ્રામપંચાયતના આગેવાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ વધુ પ્રેરણાદાયી બન્યો. આચાર્યશ્રીએ નશામુક્ત ભારત અભિયાનને સમાજના સર્વાંગી વિકાસ માટે અગત્યનું ગણાવ્યું.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને ગામજનોમાં સ્વસ્થ જીવનશૈલી, જવાબદારી અને સકારાત્મક સમાજ વિકાસ માટેની જાગૃતિ વધારવામાં આવી. નશા વિરુદ્ધનો આ પ્રયાસ ગામના ઉજ્જવળ ભવિષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.





