વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વિવિધ રસ્તાઓ જે કુલ રૂપિયા ૭૨૪ લાખ તેમજ જિલ્લાના વિવિધ વિભાગ હસ્તકના સરકારની યોજનાઓ કુલ રૂપિયા ૧૯૮.૩૫ લાખનું લોકાર્પણ કરાયું. મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘વિકાસ રથ’ નો કાર્યક્રમ યોજાયો. દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧થી વર્ષ-૨૦૨૫ સુધીની ૨૪ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા વર્ણવતા, તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામા રહી છે.
“વિકાસ સપ્તાહ” ની આ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ કૃષિ યુનિવર્સીટી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને, પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા ડાંગ હસ્તકના વિવિધ રસ્તાઓ જે કુલ રૂપિયા ૭૨૪.૦૦ લાખના ખર્ચે ૫ કામોનું ખાતમુહર્ત તેમજ ડાંગ જિલ્લાના વિવિધ વિભાગ હસ્તકના ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ કુલ રૂપિયા ૧૯૮.૩૫ લાખના ખર્ચે ૬૧ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ૨૪ વર્ષ સુશાસનની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમા ભારતની નોંધ લેવાઈ રહી છે, અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે.
વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમા ભારત દેશની અન્ય વિકસિત દેશોની હરોળ ગણના કરવામા આવે છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ વ્યક્ત કરી હતી. જે આજે સાકાર થવા જઇ રહી છે.
તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૩મા વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને, ગુજરાતને વિકાસનુ લેન્ડિંગ હબ બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જેના પરિણામે આજે ગુજરાતમા સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમા ઉદ્યોગો સ્થાપવાના કારણે રોજગારી પણ મળી રહી છે.
ડાંગ જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે. સરકાર હમેશા આદિવાસીઓની પડખે રહી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ હંમેશા છેવાડાના જિલ્લોઓના વિકાસકીય કામો માટે ચિંતા કરતા હોય છે. તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ.
વધુમાં તેમણે કહ્યું કે, ખેડૂતોને તમામ પ્રકારના લાભો મળે અને તેમની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણા ગુજરાતના શ્રી અન્નને હવે વૈશ્વિક પ્રસિધ્ધી મળી છે. ડાંગ જિલ્લામાં ઉત્પાદિત થતી રાગી અને તેમાંથી ઉત્પાદિત ખાદ્ય ચિજવસ્તુઓ હવે દેશના સિમાડા ઓળંગીને ત્યાંની હોટલ અને મોલમાં પણ ઉપલબ્ધ બની છે. જેના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોની આવક બમણી થઈ છે. સાથે જ ખેડૂતોને મળતી વિવિધ સહાય સીધી તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.
આ તકે, મંત્રીશ્રીએ વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના દીવાળીના તહેવારમાં સ્થાનિક ચિજવસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.
દરમિયાન વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિતે ‘વિકાસ સપ્તાહ’ કાર્યક્રમનો ઉદેશ સ્પસ્ટ કરી, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ દરમિયાન સરકારની કલ્યાણકારી અને જનસુખાકારી યોજનાન લાભ થકી આપણે સૌને સુખદ, નિરોગી અને સક્ષમ જીવન જીવવાનો એક અવસર મળ્યો છે. ત્યારે તમામ લોકોએ PMJAY કાર્ડ મેળવી લેવાં સૌને અનુરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન ૩૪૯૬ પુરૂષ અને ૩૨૫૧ સ્ત્રી મળીને કુલ ૬૭૪૭ લોકોએ વિકાસ રથના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉત્સાહ પુર્વક ભાગ લીધો છે. આ દરમિયાન ૧૨૪ જેટલા કામો જે અંદાજીત રૂપિયા ૪૨૭ લાખના ખર્ચે થનાર કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. તેમજ ૧૩૯ જેટલા કામો જે અંદાજીત રૂપિયા ૪૦૩ લાખના ખર્ચે થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ વિભાગ માંથી કુલ ૪૦૩ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવેલ છે તેમ જિલ્લા કક્ષાના નોડલ અધિકારી વ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે પૂરક વિગતો આપતાં જણાવ્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન મહાનુભાવોના હસ્તે આરોગ્ય વિભાગના લાભાર્થીઓને PMJAY કાર્ડનુ વિતરણ, આઈ.સી.ડી.એસ. ના લાભાર્થીઓ પૂર્ણા શક્તિ પેકેટ, વ્હાલી દીકરી યોજના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. દરમિયાન મંત્રીશ્રીએ કૃષિ પ્રદર્શન સ્ટોલનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, જિલ્લા સદસ્ય હરિશ બચ્છાવ, ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવિત, સહિત જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવા, પ્રાંત અધિકારી ઉમેશ વી.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલ, આહવા મામલતદાર શ્રી રણજિત મકવાણા, સહિતના અધિકારી તેમજ મોટી સંખ્યામા ખેડૂતો, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.