
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૪ માર્ચ : કચ્છ જિલ્લામાં ગરમીનો પારો વધતા આગામી દિવસોમાં કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સવારનો સમય કરવા માંગ કરવામાં આવી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના કચ્છ એકમ દ્વારા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાને ઇમેઇલ મારફત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના કચ્છ જિલ્લાના અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા અને મહામંત્રી મયુરભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે, હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો પ્રારંભથઈ ચૂક્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં બપોરના સમયે તાપમાન અંદાજે ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુ તાપમાનના કારણે બપોરના સમયમાં શાળાઓ ચાલુ રાખવાથી બાળકોને ગરમીજન્ય તકલીફો, થાક, ડિહાઈડ્રેશન તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે. જેની સામે સવારની શાળા રાખવાથી બાળકો મધ્યાહન સૂર્ય તપે એ પહેલા પોતાના ઘરે પરત ફરી શકે અને સવારે ગરમી ઓછી હોય અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે છે.આ ઉપરાંત વિદ્યાસહાયક શિક્ષકોને વેકેશનમાં લીધેલ તાલીમની વળતર રજા,રાષ્ટ્રીય બેન્ક સાથે સેલેરી પેકેજ અન્વયે એમ.ઓ.યુ કરવા અને રાપર તાલુકાના બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા રજુઆત કરવામાં આવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.




