આણંદ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

આણંદ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
તાહિર મેમણ – 18/06/2026 – આણંદ જિલ્લામાં નશાબંધીના કડક અમલીકરણ અને સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક જી. જી. જસાણીએ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકની કાર્યવાહી દરમિયાન ગત વર્ષમાં આણંદ જિલ્લામાં નશાબંધીને લગતા હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અને પોલીસ તથા આબકારી વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ અત્યાર સુધી થયેલી પ્રગતિનું આકલન કર્યું હતું અને સમાજમાં નશાની નકારાત્મક અસરો વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.
શ્રી જી. જી. જસાણીના માર્ગદર્શન અને સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલા મહત્વના સૂચનોને આધારે આગામી સમય માટે એક નવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં નશાબંધીનો બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યૂહરચના મુજબ ગ્રામીણ સ્તરે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જેથી જિલ્લાના દરેક નાગરિક સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડી શકાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે.
આ બેઠકમાં કરમસદ આણંદ નગરપાલિકાના મેયર અને સમિતિના સભ્યશ્રી દીપિકાબેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિદ્ધિ ગુપ્તે, નશાબંધી અને આબકારી અધિક્ષક ડી. જે. વનાણી, આણંદ જિલ્લા કમાન્ડન્ટ અને ગૃહ રક્ષક દળના સુભાષભાઈ એસ. નીલ સહિત સમિતિના બિનસરકારી સભ્યો હંસાકુંવરબા રાજ, જૈમિનીબેન પટેલ, સંતોષભાઈ પટેલ અને દિનેશભાઈ પઢિયારે નશાબંધીના અમલીકરણ અને પ્રચાર અંગે પોતાના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
*****





