
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છના વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટીસ્ટોના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ
ભુજ,તા-૦૬ જાન્યુઆરી : ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા હેતુ ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. ધોળાવીરા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે કલેક્ટરશ્રીએ વિગતો મેળવીને અધિકારીશ્રીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષંગિક અન્ય વ્યવસ્થાઓના સુચારૂ આયોજન અંગે કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવીને કલેક્ટરશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહેલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સુશ્રી દેવાંશી ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




