પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પર એલ.જે. યુનિવર્સિટી ખાતે સેમિનાર યોજાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંગે માહિતી અને તકની અવગત કરાવવા માટે એલ.જે. યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સહાયક નિયામક રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હતી.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને રોજગાર તકો અંગે માર્ગદર્શન આપવા તેમજ યોજનાના ઉદ્દેશ, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત વિવિધ ઉદ્યોગો સાથે કામ કરવાની તક અને તેનું મહત્વ સમજાવાયું. વક્તાઓએ વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો થાય તે માટે યોજનાના વિવિધ લાભો અંગે વિશદ ચર્ચા કરી.
સેમિનારમાં અત્યારના રોજગાર પરિદૃશ્ય અને ઇન્ટર્નશિપ કેવી રીતે યુવાનો માટે એક મજબૂત પગથિયું બની શકે છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓએ કૌશલ્યો વિકસાવી ઇન્ટર્નશીપ તથા નોકરી માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે માર્ગદર્શન મેળવ્યું.
આ સેમિનાર એ એક મૂલ્યવાન પ્લેટફોર્મ સાબિત થયું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રોફેસરો અને રોજગાર શાખાના અધિકારીઓ સાથે સીધા સંવાદ સાધી શક્યા. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અને વ્યાપક રોજગાર તકોની સમજણ માટે ઉપયોગી સાબિત થયો.