Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન ભાડે આપતા પહેલા સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના
તા.૧૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી તથા દેશ બહારથી આવતા અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો ભાડે આપતા માલિકો માટે રાજકોટના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.કે.ગૌતમે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.
કોઈ ઔદ્યોગિક એકમો/મકાનો ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે. મિલકત ખાલી કરવામાં આવે ત્યારે પણ લેખિતમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. સિંગલ યુવક કે યુવતીને મિલકત ભાડે પવાની થાય ત્યારે તેના વાલીનો સંમતિ પત્ર મેળવી સામેલ કરવાનો રહેશે. ભાડે રાખનારે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, કંપનીનો લેટરપેડ રજૂ કરવાના રહેશે.
આ હુકમ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૮/૦૨/૨૦૨૫ સુધી અમલી રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.