GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે સેતુ સાધવા પરિસંવાદ યોજાયો

તા.૧૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સામાન્ય વિવાદોને પોલીસના ધ્યાનમાં લાવી, મોટા ગુના બનતા અટકાવવા પર ભાર મુકતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘ

Rajkot, Gondal: ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાયની પ્રેરણાથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંઘની અધ્યક્ષતામાં ગોંડલ ખાતે પોલીસ અને સરપંચો વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ પોલીસ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ વચ્ચે સંવાદ અને સહયોગ વધારીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાનો હતો.
આ કાર્યક્રમની શરૂઆત ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ કચેરીના શ્રી જે. પી. રાવ દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. ગોંડલ તાલુકાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ. ડી. પરમારે ફેક ન્યૂઝ, ન્યૂડ વીડિયો કોલ, ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવી સાયબર છેતરપિંડીથી બચવા માટે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે નાગરિકોને અજાણ્યા કોલ કે લિંકથી સાવધ રહેવા અને લાલચમાં ન આવવા અપીલ કરી હતી.
સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે. એ. ખાચરે તાજેતરમાં લાગુ થયેલા ભારતીય ન્યાય સંહિતા જેવા નવા કાયદા વિશે જાણકારી આપી હતી અને આ કાયદામાં થયેલા ફેરફારો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની કામગીરી વિશે સમજાવ્યું હતું. તેમજ ડી.વાય.એસ.પી. શ્રી કે. જી. ઝાલાએ સામાન્ય વિવાદોને પોલીસના ધ્યાનમાં લાવી, મોટા ગુના બનતા અટકાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરપંચો અને નગરપાલિકાના સદસ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવવાની પહેલને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી હિમકરસિંહે ખાતરી આપી હતી કે સિક્સ-લેનનું કામ પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને ત્યાં સુધી ટ્રાફિક નિયમન માટે પોલીસ સ્ટાફ અને ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વાછરા ગામના સરપંચે તેમના ગામમાં ઘણા વર્ષોથી એક પણ કેસ ન થવા દીધા બદલ સરાહના કરવામાં આવી હતી અને પોલીસે કેસના સમાધાન પર ભાર મૂકવો જોઈએ, તેમ જણાવ્યું હતું.
આ તકે રાજકોટ જિલ્લા એસ.પી. શ્રી હિમકરસિંહે ગુનાખોરીને રોકવા અને ગુના ઉકેલવામાં મદદરૂપ થવા માટે ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે સહયોગનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જિલ્લામાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે અને રૂ. ૦૭ કરોડથી વધુની કિંમતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમણે ૧૦૦ હેલ્પલાઇન નંબર પર આવતા કોલનું વ્યક્તિગત રીતે મોનિટરિંગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું.
આ કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું હતું. એ.એસ.આઇ. શ્રી રવીરાજસિંહ સરવૈયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ગોંડલ શહેર અને તાલુકાના સરપંચો, નગરપાલિકાના સદસ્યો, સામાજિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!