
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા૦૬ માર્ચ : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ આઇડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડી.ડી.પંડ્યાના સીધા માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ રાપર તાલુકામાં બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાપર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ખોળુંભા વાઘેલા અને સી.ડી.પી.ઓ.કે. એ. પ્રજાપતિની આગેવાનીમાં રિનોવેશન અને રિપેરિંગ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ કુલ ૫૨ આંગણવાડી કેન્દ્રોને આયોજનમાં લેવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૧૩ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે ૨૯ કેન્દ્રોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સુધારાથી આંગણવાડીના ભવનો વધુ સુરક્ષિત અને સુવિધાજનક બન્યા છે.આ સરકારી પ્રયાસોમાં કોહેજન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એચડીએફસી બેંક દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. તેમના સંયુક્ત સહયોગથી ૫ આંગણવાડી કેન્દ્રોમાં રિનોવેશન, આધુનિક સેનિટેશન સુવિધા, પેવર બ્લોક અને નવું ફર્નિચર પૂરું પાડવામાં આવ્યું છે. વિશેષ કરીને, બાળકોને આકર્ષક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે દિવાલો પર ‘બાલા’ (BaLA – Building as a Learning Aid) પેઇન્ટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. બાળકોને તાજું અને પૌષ્ટિક શાકભાજી મળી રહે તે હેતુથી આંગણવાડીઓની આજુબાજુ ‘પોષણ વાટિકા’ વિકસાવવાનું આયોજન છે. આ વાટિકાઓની સુરક્ષા માટે ૪૦ કેન્દ્રોમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું લક્ષ્ય હતું, જેમાંથી ૨૯ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરીઓ પૂર્ણ થવાથી રાપર તાલુકાના અંતરિયાળ વિસ્તારના બાળકો માટે સુરક્ષિત, સ્વચ્છ અને પ્રેરણાદાયક વાતાવરણ ઊભું થયું છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને પાયાના શિક્ષણને વધુ મજબૂત બનાવાશે.






