
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકા પંચાયત ખાતે ‘કર્મયોગી’ઓ માટે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
મુંદરા,તા.18: આજની ભાગદોડ ભરી જિંદગી અને કામના સતત ભારણ વચ્ચે સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે મુંદરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો.
વિવિધ ટેસ્ટ અને નિદાન તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતો દ્વારા આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે મુંદરા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી સહિત કચેરીના તમામ કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને પોતાની તપાસ કરાવી હતી. શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. શ્રેષ્ઠીબેન ગોસ્વામીની ટીમ દ્વારા કર્મચારીઓના હિમોગ્લોબિન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત બીન ચેપી રોગો માટે જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક કર્મચારીના એક્સ-રે લેવાયા હતા અને વજન-ઊંચાઈ માપીને શારીરિક ક્ષમતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જે કર્મચારીઓમાં બીમારીના પ્રાથમિક લક્ષણો જણાયા હતા તેમને તબીબો દ્વારા સ્થળ પર જ જરૂરી દવાઓ અને આગળની સારવાર માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીઓએ કર્મચારીઓને માનસિક તણાવથી દૂર રહેવા, પૌષ્ટિક આહાર લેવા અને દૈનિક જીવનમાં યોગ-વ્યાયામનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારના આયોજનનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓ પોતાની નૈતિક ફરજની સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને અને વધુ કાર્યક્ષમતાથી પ્રજાકીય કાર્યો કરી શકે તેવો રહ્યો છે.







વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




