GUJARATKUTCHMUNDRA

ગુંદાલામાં પૂર્વ સરપંચ જયેશભાઈ આહીરના સ્મરણાર્થે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો: 203 લોકોએ કર્યું રક્તદાન, સેવાભાવનાને અપાઈ શ્રદ્ધાંજલિ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

ગુંદાલા, તા.8 જુલાઈ : મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે આવેલા અદાણી હોલ ખાતે તાજેતરમાં ગ્રામજનો અને મારવાડી યુવા જાગૃતિ મંચના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગામના પૂર્વ સરપંચ સ્વ. જયેશભાઈ જખુભાઈ આહીરના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો, જેમણે દસ વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે ગામની સેવા કરી હતી.

રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા, આયોજકોએ જણાવ્યું હતું કે અકસ્માત, ઓપરેશન કે ગંભીર બીમારીના સમયે કોઈ અજાણ્યા દાતાનું રક્ત જીવનરક્ષક સાબિત થાય છે. દરેક સ્વસ્થ વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ નવા લોહીનું નિર્માણ ઝડપથી થાય છે અને રક્તદાતા પણ સ્વસ્થ રહે છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને રક્તદાન વિશે જાગૃત કરવાનો અને તેમને નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કરવાનો હતો.

આ કેમ્પમાં કુલ 203 લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં ગુંદાલા અને આજુબાજુના ગામોના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને, ગુંદાલાના પાડોશી ગામ વિરાણીયાના શક્તિસિંહ જાડેજા, જેઓ કચ્છ જિલ્લા સરપંચ સંઘના પ્રમુખ છે, અને મારવાડી મંચના ઘનશ્યામભાઈ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં યુવા પેઢીનો ઉત્સાહ અને મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી પ્રશંસનીય રહી હતી. ગુંદાલાના લોકોએ એકસાથે મળીને રક્તદાન જેવી જીવનદાઈ સેવા દ્વારા પૂર્વ સરપંચ જયેશભાઈ આહીરને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે ગામ માટે અતૂટ સેવા આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મુન્દ્રાના ચેરમેન સચીનભાઈ ગણાત્રા અને મારવાડી યુવા મંચનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મારવાડી યુવા મંચના દિનેશભાઈ અગ્રવાલ, સુરેશભાઈ બોલા, મહેશભાઈ તેજાભાઈ આહીર, રામજીભાઈ આલાભાઈ આહીર ઉર્ફે જખુબાપા, છાયાબેન વિશ્રામભાઈ ગઢવી, જયશ્રીબેન જયેશ આહીર અને બીપીન નવીનચંદ્ર જોશી સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપ્યો હતો. એવું ક્રિષ્ના જયેશભાઈ આહીરે એક યાદીમાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!