રાષ્ટ્રીય કિસાન દિવસ”ની વિશેષ ઉજવણીના ભાગરૂપે ઇન્સ્ટિટ્યુશનલ તાલીમનું વિશેષ આયોજન વેજલપુર ખાતે કરવામાં આવ્યું.

તારીખ ૩૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ (NMNF) હેઠળના મિશન ક્લસ્ટરના સ્વયંપ્રેરિત ખેડૂતો માટે “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની વિશેષ ઉજવણીના ભાગરૂપે એક દિવસીય ઇન્સ્ટિટ્યુશનલ તાલીમનું વિશેષ આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને જમીનની ફળદ્રુપતા વધારવા અંગે જાગૃત કરવાનો હતો.
તાલીમ કાર્યક્રમ દરમિયાન કે.વી.કે.ના વડા ડૉ. કનકલતા અને નિષ્ણાત ટીમે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વના પાંચ આયામો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. પાક સંરક્ષણ નિષ્ણાત ડૉ. શક્તિ ખજૂરિયા, વિસ્તરણ શિક્ષણ નિષ્ણાત ડૉ. જયપાલ જાદવ અને હોમ સાયન્સના રેણુ ભટ્ટ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કેવી રીતે કરવો, જમીનની ઉર્વરતા કેવી રીતે જાળવવી અને રાસાયણિક મુક્ત સ્વસ્થ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા પ્રોજેક્ટ મેનેજર સચિન પરમાર અને ખેતી મદદનીશ અશોક પટેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમના અંતિમ ચરણમાં હાજર રહેલા તમામ ખેડૂત મિત્રોએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું.







