
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૩૧ જુલાઈ : ભચાઉ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા, આમરડી, વીજપાસર , સામખીયાળી, જંગી,જુના કટારીયા, ધોળાવીરા, અર્બન ભચાઉમાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ હતી. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ આ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી, જૂથ ચર્ચા તથા શિબિરનું આયોજન કરી જન સમુદાયને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી.આરોગ્ય કર્મચારીઓએ ઘરે ઘરે મુલાકાત લઈ લોકોને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો જેવા કે, ડેન્ગ્યુના મચ્છર બંધિયાર અને ચોખ્ખા પાણીમાં થતાં હોવાથી પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી, પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, પાણી એકઠું થવા ના દેવું અને ફ્રીઝની ટ્રે, કુલરની નિયમિત સફાઈ કરવી, અગાસી કે ખુલ્લામાં ટાયરોમાં પાણી ના ભરાય તે માટે પ્લાસ્ટીકથી ઢાકવું કે તેનો નિકાલ યોગ્ય સમયે કરવો આવશ્યક છે. તાવ આવે તો તાત્કાલિક દવા લેવી વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અંગે માર્ગદર્શક પત્રિકાઓ આપીને નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા તેમ ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.





