
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વઘઇ પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની પલસાણા (સુરત ગ્રામ્ય)માંથી ધરપકડ, મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશના ગુનામાં પણ વોન્ટેડ..
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં નોંધાયેલ ગુનાઓનાં વોન્ટેડ તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપવામાં આવેલ હતી.આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ સ્ટેશને નોંધાયેલ સરકારી અનાજ ચોરીના ગંભીર ગુનામાં મહત્વની સફળતા મેળવી છે.વઘઇ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સરકારી અનાજના ગોડાઉન પાસેથી અનાજ ભરેલ ટ્રક તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટ્રકની ચોરીના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલ આંતરરાજ્ય ગેંગનો વોન્ટેડ આરોપી મૈફુઝ અબ્દુલહઇ ખાન (ઉ.વ.24),ધંધો: ડ્રાઇવિંગ, રહેવાસી: અલાવલપુર, મઉ આઇમા, ઇલાહાબાદ, ઉત્તરપ્રદેશની શોધખોળ ચાલી રહી હતી.તેવામાં વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી દ્વારા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે આરોપી સુરત ગ્રામ્યના પલસાણા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં વઘઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપૂતની ટીમને પલસાણા મોકલવામાં આવી હતી.જ્યાંથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડીને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો અને ગુનામાં કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે.અહી તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે આરોપી તથા તેના અગાઉ પકડાયેલા સાથીદારોએ ઉત્તરપ્રદેશના સૈયદરાજા પોલીસ સ્ટેશનની હદમાંથી એક ટ્રકની લૂંટ કરી હતી. લૂંટની ટ્રક પર ખોટી નંબરપ્લેટ લગાવી, તારીખ 24/12/2024ના રોજ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રકમાં મકાઇના કુલ 2523 ક્વિન્ટલ (રૂ. 6,17,000/- કિંમત)નાં કટ્ટા ભરી ગેરકાયદેસર રીતે વેચાણ માટે સુરત ગ્રામ્યના માંડવી ખાતે લઈ ગયા હતા.આ બાબતે દેવલા પોલીસ સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતે પણ આરોપી સામે ગુનો નોંધાયેલ હોવાથી તે ગુનામાં પણ આરોપી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.હાલમાં વઘઇ પોલીસે બે ગંભીર ગુનામાં વોન્ટેડ આંતરરાજ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે..




