GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ટ્રેકટર વેરિફિકેશન કેમ્પ યોજાયો

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૧૩૧ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા ૬૨.૨૫ લાખની સહાય મળશે

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે ટ્રેકટર વેરિફિકેશન માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૩૧ ખેડૂતો ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા ૬૨.૨૫ લાખની સહાય મળવાપાત્ર થશે. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ તકે લાભાર્થી ખેડૂતોને શુભેચ્છા પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓથી ખેતી અને ખેડૂતો સધ્ધર થઈ રહ્યા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગુજરાત સરકારશ્રીના ખેતીવાડી વિભાગ દ્વારા એ.જી.આર. ૫૦ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ૪૦ પી.ટી.ઓ. એચ.પી. સુધીના ટ્રેક્ટરમાં રૂપિયા ૪૫ હજાર અને ૪૦ પી.ટી.ઓ. એચ.પી.થી વધુ ટ્રેકટરમાં રૂપિયા ૬૦ હજાર સહાય મળવાપાત્ર છે.

વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં ૧૩૧ ખેડૂતો ટ્રેકટર સાથે હાજર રહ્યા હતા. તમામ ખરીદી કરેલ ટ્રેક્ટરની વિસ્તરણ અધિકારી (ખેતી) અને ગ્રામસેવકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.

યોજનાકીય ઠરાવ નિયમ મુજબ ૧૦૯ ખેડૂતોને રૂપિયા ૪૫ હજાર લેખે રૂપિયા ૪૯ લાખથી વધુ રકમની સહાય અને ૨૨ ખેડૂતોને રૂપિયા ૬૦ હજાર લેખે રૂપિયા ૧૩.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવશે. આમ કુલ ૧૩૧ ખેડૂતોને રૂપિયા ૬૨.૨૫ લાખની સહાય મળવાપાત્ર થશે. આ તકે અગ્રણી દેવરાજ ભાઈ સહિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ,વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રીહસમુખભાઈ બાવળીયા, ગ્રામ સેવકો તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!