વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ઘોડી ગામને જોડતો પાણીમાં ગરકાવ થયેલ કોઝવે પરથી બાળકો જીવના જોખમે પસાર થતાનો વિડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નદી,નાળા અને કોતરોમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.તેમજ વધુ પડતા પાણીનાં પ્રવાહને કારણે અનેક જગ્યાએ નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જોકે વઘઇ તાલુકાનાં ઘોડી ગામનો પાણીમાં ગરકાવ ઊંડા કોઝવે પરથી બાળકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે.તેમજ વીડિયોને લઈને અનેક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.વઘઈ તાલુકાના કાલીબેલ નજીક આવેલ ઘોડી ગામમાંથી પૂર્ણા નદીની કોતર પસાર થાય છે.ત્યારે આ પૂર્ણા નદીનાં કોતરમાં વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા બે દિવસથી આ કોતરમાં ઘોડાપૂર આવતા ઘોડી ગામનો કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.જોકે પાણીમાં ગરકાવ થયેલ કોઝવે પરથી નાના બાળકો પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા જોવા મળ્યા હતા.જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયોને લઈને અનેક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ ધસમસતા પાણીના પ્રવાહમાં કોઈક બાળક તણાઈ ગયું હોત કે કોઈ અઘટિત ઘટના બની હોત તો આખરે જવાબદાર કોણ હોત ? અહીં કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા માટે કોઈ જી.આર.ડી કે હોમગાર્ડ કેમ ન મૂકવામાં આવ્યો ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.અહી વહીવટી તંત્ર દ્વારા કોઝવે પાસે માત્ર રસ્તો બંધ હોવાનું બોર્ડ મારી ત્યાં કોઈ વ્યક્તિ જ ન મુકતા આ બોર્ડ પણ નકામા બની ગયા છે.ત્યારે આ જોખમી કોઝવે પરથી કોઈ પસાર ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ જી.આર. ડી અથવા હોમગાર્ડનાં જવાનને મૂકવામાં આવે અને ત્યાંથી કોઈને પસાર થવા ન દેવામાં આવે તે જરૂરી બન્યુ છે.જોકે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોને ધ્યાને લઈને વહીવટી તંત્રનાં અધિકારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યું.