Rajkot: પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
યુવાધનને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવા પ્રિવેન્શન પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રી
નશામુક્ત અભિયાન સાર્થક બનાવવા રાજ્ય સરકાર સાથોસાથ સમાજ, સંસ્થાઓ અને શિક્ષણની સહભાગિતા જરૂરી
Rajkot: આજરોજ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ) ની બેઠક યોજાઈ હતી. જેમાં શ્રી બ્રજેશકુમારે દેશનું યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેન્ન પર ભાર મૂકી કોલેજના છાત્રોને ડ્રગ્સની આડ અસરો તથા સામાજિક,આર્થિક દુષ્પરિણામો વિષે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું.
રાજકોટની વિવિધ યુનિવર્સીટીમાંથી પધારેલા પ્રતિનિધિઓને સંબોધતા પોલીસ કમિશનરશ્રીએ કહ્યું હતું કે, કોલેજના કોઈ વિદ્યાર્થી કે ગ્રુપ આ પ્રકારે સેવન કરતા જોવા મળે તો તેઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરવા અને જરૂર જણાયે પોલીસ વિભાગની મદદ લેવા તેમજ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓની ઈતર પ્રવૃત્તિ પર ધ્યાન રાખવા ખાસ નોડલ અધિકારી નીમવા સૂચન કર્યું હતું.
શ્રી બ્રજેશકુમારે રાજકોટ શહેરમાં ડ્રગ્સની બીમારીને પ્રારંભથી ડામી દેવા માટે યુનિવર્સીટી ઉપરાંત ડ્રગ્સ કંટ્રોલ, એફ.એસ.એલ., મહાનગરપાલિકા, તબીબી સહિતના વિવિધ વિભાગો સંકલનમાં રહી કાર્યક્ષમ બને તે અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એસ.ઓ.જી દ્વારા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ, ડ્રગ્સ ડિટેક્શન તેમજ ડ્રગ્સ એડિક્ટ રિહેબિલીીીટેશન અને મોનીટરીંગ એમ ત્રિવિધ કાર્યક્રમો વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે.
જનજાગૃતિ અર્થે શાળા કોલેજમાં છેલ્લા ૩ મહિનામાં ૧૪ જેટલા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. સાથોસાથ રોડ પર હૉર્ડિંગ્સ તેમજ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ‘નો ડ્રગ્સ’ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, તેમજ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો હોવાનું ડી.સી.પી.એ માહિતી આપતા જણાવ્યું હતું.
એસ.ઓ.જી. તેમજ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ ચલાવી શહેરમાં પાન ગલ્લાઓ, બગીચા તેમજ અન્ય સ્થળોએ ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પાર્થરાજસિંહે વિગતો આપતા જણાવ્યું હતું.
ખાસ કરીને શ્રમિકો, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કે જેઓ શિક્ષણના પ્રભાવમાં ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે અને એકલવાયું જીવન જીવતા લોકો ડ્રગ્સ તરફ વળતા હોય છે. ડ્રગ્સના બંધાણીનું યોગ્ય કાઉન્સેલિંગ અને રિહેબિલીીીટેશન સેન્ટર દ્વારા તેઓને આ લતથી છુટકારો આપી શકાય છે, તેના માટે રાજ્ય સરકારનું નશા મુક્ત અભિયાન કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયા કિનારો દેશમાં ડ્રગ્સ સપ્લાય માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર અત્યંત ગંભીરતાપૂર્વક આ પ્રવૃત્તિને ડામી દેવા માટે પ્રતિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં અમદાવાદથી એન.સી.બી.વિભાગના અધિકારીશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે એસ.ઓ.જી.ના પી.આઈ. શ્રી સાકરીયા, મહાનગરપાલિકાના વિજિલન્સ વિભાગનાશ્રી આર.બી. ઝાલા, નાયબ મામલતદાર શ્રી ક્રિપાલસિંહ ગોહિલ, સહીત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિતના કમિટીના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.