બાળ વિવાહ મુકત ભારત અભિયાન અંગે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ યોજાયો.

તારીખ ૧૭/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ,ગાંધીનગર દ્વારા બાળ વિવાહ મુકત ભારત અભિયાન અંગે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ ગોધરાના સરદારનગર ખંડ ખાતે ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે અધ્યક્ષપદેથી પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૨ થી રાજ્યમાં શરૂ કરાયેલ બાળ સુરક્ષા આયોગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બાળકોના શિક્ષણ તથા મૌલિક અધિકારીઓના સંરક્ષણ માટે અથાક પ્રયત્નો કર્યા છે.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ સ્વપ્નને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ ઉપરાંત બાળકોના પોષણક્ષમ આહાર તથા ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી છે,તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.વધુમાં “બાળવિવાહ મુક્ત ભારત અભિયાન”ના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોગ દ્વારા બાળ સુરક્ષા અંગેના કાયદાઓ થકી તેમનું હકોનું રક્ષણ થાય તથા તેમનું ઘડતર થાય તે માટેના પ્રયાસો પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા.બાળકનું વર્તમાન સુરક્ષિત હશે તો, તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે,તેમ જણાવી અધ્યક્ષએ જણાવ્યું હતું કે,બાળકો માટેના કાયદાની સાચી અમલવારી જો સંવેદનાપૂર્વક થાય તો સાચા અર્થમાં સાર્થક બનશે,તેમ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓ જણાવ્યું હતું.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબના સંસ્કાર તથા વિચાર પીરસાય તો સાચા અર્થમાં બાળકનું ભવિષ્ય સોશિયલ મીડિયાના સમયમાં પણ સુરક્ષિત બની રહેશે,તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.આ ઉપરાંત ઉપસ્થિતોને જણાવતા કહ્યું કે બાળકોનું બાળપણ છીનવાય નહીં તથા તેમના વિચારો ખીલે અને પ્રતિભાવો રજૂ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.આ વર્કશોપ ખાસ કરીને ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ વિષયને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ અધિકારોના સંરક્ષણ અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.વર્કશોપ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સહભાગીતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાળવિવાહ જેવી કુપ્રથાઓ બાળકોના ભવિષ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે અને તેને રોકવા માટે સમાજ, તંત્ર અને માતા-પિતાની શું ભૂમિકા હોવી જોઈએ તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સી.કે રાઉલજી, નિમિષાબેન સુથાર ,ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ,બાળ સંરક્ષણ અધિકાર આયોગના સભ્ય અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ, કમલેશભાઈ રાઠોડ,આયોગના નિવૃત સચિવ ડી.ડી.કાપડિયા તથા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







