શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજનની ગુણવત્તા સુધારવા આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની સરકારમાં રજૂઆત.

તારીખ ૨૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ આજરોજ રાજકીય લોકોની જ કામગીરી વિશે પોતાની અલગ પ્રતિક્રિયા આપી છે તેઓએ નાના કર્મચારીઓનો પક્ષ લીધો છે અને મિડિયા અને સરકારમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના સમયમાં લગભગ દરેક ને અને ખાસ કરીને નવા નવા લોકોને રાજકીય નેતા બનવાનો અને ઓળખાવવાનો શોખ આજ કાલ વધી રહ્યો હોવાનું દેખાય છે. કારણ કે આજ કાલ આવી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં દેખાઈ રહી છે. પરંતુ આવી ઘટનાઓને એક જ દ્રષ્ટિએ ના જોવી જોઈએ અને ખાસ કરીને રાજકીય લોકોની દ્રષ્ટિએ તો બીલકુલ નહીં, કારણ કે આ લોકોને સામાન્ય જનતા સાથે કોઈ મતલબ હોતો નથી, બસ એમને પોતે પ્રસિદ્ધિ મેળવવી છે.ગુજરાતમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાઓમાં બાળકોને જમાડવાની ભોજન યોજનાઓ ચાલે છે જેમાં સરકારી યોજનાઓના ચોપડાઓમાં અને પરિપત્રો માં તો પોષ્ટિક આહાર માટે અનાજ, કઠોળ , શાકભાજી, મસાલા વગેરેનો તોલમાપનો રેશિયો અને મેનુ હોય છે પરંતુ રસોડા સુધીની વાસ્તવિકતા કંઈક જુદી હોય છે અને તે માત્ર મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઇયા જ જાણતા હોય છે તેઓની ભૂલો કાઢતાં પહેલાં તેઓ કેટલી અને કેવી રીતે મજબુર છે તેની વાસ્તવિક સ્થિતિને જાણવી જોઈએ. આવા નાના કર્મચારીઓ અને ખાસ કરીને ગામડાના લોકો જમાડવાની ભાવના વાળા હોય છે, ૫૦ મીલી તેલ કે ૧ કિલો ચોખા ઓછા કરવાથી આવા નાના કર્મચારીઓ કરોડપતિ નથી બની જતાં કે નથી તેઓની મેલી મુરાદ પણ તેઓ કેટલીક રીતે મજબુર હોય છે અને આવી સ્થિતિ, પરિસ્થિતિને જાણ્યા, સમજ્યા વગર કેટલાક લોકોને રાજકીય નેતા બનાવાના શોખમાં અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા મધ્યાહન ભોજનના રસોડામાં જઈને ભૂલો શોધવાની મજા માણે છે. પરંતુ આવા લોકો મોટી મોટી હૉટલો માં દરરોજ ૪૦૦ થી ૬૦૦ રુપિયાની થાળી જમતા હોય તેમને મધ્યાહન ભોજનની રસોઇ ક્યાંથી સારી લાગવાની છે ? અને તેમની આવી હરકતો થી નાના કર્મચારીઓની જીંદગી પર મોટી અસર પડે છે, અપમાનિત થાય છે, દુઃખી થાય છે, ક્ષોભ અનુભવે છે.શાળાઓમાં ગુણવત્તા સભર ભોજન જોઇતું હોય તો, સરકારી દુકાનેથી સમયસર અને પુરતો જથ્થો મળે, સ્થાનિક નેતાઓ (સાંસદ કે ધારાસભ્ય) તરફથી રાજકીય કાર્યક્રમોમાં સરકારી અનાજ વાપરવા માટે દબાણ ના કરવામાં આવે, કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા સ્પેશિયલ વાનગી બનાવવા દબાણ ના કરવામાં આવે, મધ્યાહન ભોજની વાનગીઓમાં વપરાતી ચીજ વસ્તુઓ ના રેશિયામાં સુધારો વધારો કરવામાં આવે તથા રસોઈયાઓને રસોઇ બનાવવાની તાલીમ આપવામાં આવે અને મુખ્ય મુદ્દો આવા નાના કર્મચારીઓને મિનિમમ દૈનિક વેતન કે જ્યાં આજની મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય વેતન આપવામાં આવે અને સમયસર આપવામાં આવે તેમજ મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા નાના કર્મચારીઓ સંચાલક, રસોઇયા અને મદદનીશ સહિતના તમામને નોકરીની સુરક્ષા આપવામાં આવે આવી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, સરકારમાં રજૂઆત કરવી જોઈએ. બાકી ગુજરાતમાં ગમે તે શાળાઓમાં રસોઈની ભૂલો શોધવા જઈશું તો નાની મોટી ભૂલો તો મોટા ભાગની શાળાઓમાં જોવા મળશે જ. પણ સમસ્યાઓનો ઉકેલ શાળાઓમાં જવાથી નહીં મળે, ઉલટું નાના કર્મચારીઓને હેરાન અને દુઃખી કરવાનું અને પોતાને મહાન ગણવાનું કારણ માત્ર ગણાશે.ઘણા લોકોને આવી ટેવ આદત પડી ગઈ છે અને આવું જોઈને ઘણા ને પડી શકે તેમ છે તેથી સરકારે ફરજિયાત પરિપત્ર અને આદેશ કરવો જોઈએ કે, રસોડાની ગુવવત્તા બાબતે ફક્ત શાળાના આચાર્યે જ રીપોર્ટ કરવો બાકી કોઈ પણ બહારના વ્યક્તિને મધ્યાહન ભોજનના રસોડામાં પહોંચવાની છૂટ ને પ્રતિબંધિત કરવી જોઈએ. રસોઈ એક એવી બાબત છે કે વ્યક્તિ માત્રના સ્વાદ, સુગંધ અને પસંદ ભિન્ન ભિન્ન હોય છે તેથી ભૂલો કાઢવી સરળ બની જાય છે. કોઈ પણ બિન અધિકૃત વ્યક્તિને રસોઈ રિપોર્ટ કરવાની છૂટ ના હોવી જોઈએ બાકી નાના કર્મચારીઓને અપમાનિત ના કરો, લગ્નની રસોઇમાં પણ ભૂલ શોધનારા બધે જ જોવા મળે છે જેવી પ્રતિક્રિયા સાથે દિનેશ બારીઆએ ગુજરાત સરકારમાં લેખીત રજુઆત પણ કરી હોવાનું જાણવા મળે છે.






