Rajkot: સોશિયલ મીડિયાના દુરપયોગ પર પ્રકાશ પાડતી ઘટનામાં પ્રશંસનીય કામગીરી કરતી અભયમ્ ટીમ

તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સગીરાનું કાઉન્સેલિંગ કરીને યુવક સાથે ચેટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી
રાજકોટમાં ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન પર એક માતાનો કોલ આવ્યો, જેમણે તેમની ૧૬ વર્ષીય દીકરીના કાઉન્સેલિંગ માટે મદદ માંગી. માતાએ જણાવ્યું કે તેમની દીકરીના મોબાઈલમાં શંકાસ્પદ મેસેજીસ જોઈને તેઓ ચોંકી ગયા હતા. જ્યારે તેમણે દીકરીને પૂછ્યું, ત્યારે દીકરીએ ગોળ-ગોળ જવાબ આપ્યા બાદ સ્વીકાર્યું કે તે એક યુવકના પ્રેમમાં છે.
આ યુવક બીજો કોઈ નહીં, પણ માતાની જ સહેલીનો દીકરો હતો. માતાએ દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમજવા તૈયાર નહોતી. આથી, તેમણે અભયમ્ ટીમની મદદ લીધી. અભયમ્ ટીમે ઘટનાસ્થળે પહોંચીને સગીરાનું કાઉન્સેલિંગ કર્યું. સગીરાએ જણાવ્યું કે તે યુવક તેમના ઘરે આવતો-જતો હતો અને બંને વચ્ચે અભ્યાસને લગતી વાતો થતી હતી. ધીમે-ધીમે સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાતચીત શરૂ કરી અને એક મહિનામાં સગીરાને તે યુવક સાથે પ્રેમ થઈ ગયો. સગીરાએ એમ પણ જણાવ્યું કે યુવકે તેને લગ્ન કરવાની વાત કરી હતી. આ માહિતી મળતા જ અભયમ્ ટીમે યુવકનો સંપર્ક કરીને તેને ઘટનાસ્થળ પર બોલાવ્યો. યુવકે જણાવ્યું કે સગીરા જ તેને મેસેજ અને કોલ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો.
બંને પક્ષોની વાત સાંભળ્યા બાદ ટીમે સગીરાનું લગભગ બે કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું. તેને આગળના કરિયર વિશે સમજાવવામાં આવ્યું અને હાલમાં યુવક સાથે ચેટિંગને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સલાહ આપવામાં આવી. જેથી, તે ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. કાઉન્સેલિંગ બાદ સગીરાએ તેની ભૂલ સ્વીકારી અને માતાની માફી માંગી. તેણે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે ખાતરી આપી. જેના બદલ માતાએ ૧૮૧ અભયમ્ ટીમનો આભાર માન્યો. આ ઘટના સમાજમાં સોશિયલ મીડિયાના દુરપયોગ પર પ્રકાશ પાડે છે. ઉપરાંત, ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ હેલ્પલાઈને પ્રશંસનીય કામગીરી કરીને સરકાર પીડિત મહિલાઓની વ્હારે હોવાનું ફરી એક વાર સાબિત કર્યું છે.



