
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક મોટરસાયકલ સ્લિપ મારી જતા ગંભીર રીતે જખ્મી થયેલ ચાલકનું મોત
ત્રણેક દિવસ અગાઉ મૃતક માંડવા ખાતે તેના ઘેરથી મોટરસાયકલ લઇને નીકળ્યો હતો-ત્યારબાદ તે ઘરે પાછો ન ફરતા અંકલેશ્વર પોલીસમાં ગુમ થયા બાબતે જાણ કરાઇ હતી
ઝઘડિયા તા.૧૧ ઓગસ્ટ ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઇને લોકો ચિંતિત બન્યા છે,ત્યારે હાલમાં એક મોટરસાયકલ સ્લિપ મારવાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ અંકલેશ્વરના માંડવા ખાતે રહેતો હસમુખભાઇ નગીનભાઇ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવક ગત તા.૮ મીના રોજ રાતના બાર વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને ઘરેથી નીકળ્યો હતો,ત્યારબાદ તે ઘરે પાછો ન ફરતા અંકલેશ્વર પોલીસમાં તેના ગુમ થયા અંગે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી હતી,ત્યારબાદ ગતરોજ તા.૧૦ મીના રોજ તેના પરિવારજનોને જાણ થઇ હતી કે હસમુખની મોટરસાયકલ ઝઘડિયાના ગોવાલી ગામ નજીક સ્લિપ મારી જતા ગંભીર રીતે જખ્મી થયેલ યુવક હસમુખભાઇને સારવાર માટે કોઇ રાહદારીએ બોલાવેલ એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો,જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજેલ હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઇ મેહુલભાઇ પટેલ રહે.ગામ માંડવા તા.અંકલેશ્વરનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી



