વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-13 મે : રાષ્ટ્રની વિશાળ સરહદોના રક્ષણ માટે જ્યારે જ્યારે હાકલ પડી છે ત્યારે ત્યારે આપણી સેનાએ નિસ્વાર્થ કર્તવ્ય પરાયણતા અને રણભૂમિમાં પોતાની સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષાતાની મિશાલ કાયમ કરી છે. માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકી શકાય નહિ અને હાલમાં દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું અને તેવા કપરા સમયે પણ ભારતીય સેનાનાં શુરવીર જવાનોએ પોતાના અદમ્ય સાહસ અને બહાદુરીનો પરચો દુશ્મનોને બતાવી દીધો હતો તેનાથી સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે. આવી વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશનાં સિમાળાઓ પર ફરજ બજાવતા દેશના જવાનોની બહાદુરી અને સાહસને બિરદાવવી તે પણ દેશના નાગરિકોની નૈતિક ફરજ છે તેવા ઉચ્ચ ઉદ્દેશ્યો ધરાવતા મૂળ દહિસરાના અને હાલ ભુજ ખાતે સ્થાઈ થયેલ નિવૃત શીક્ષક શ્રી વસંતભાઈ જોશી તરફથી તેઓનાં સ્વ. માતુશ્રી ઝવેરબેન જેરામભાઈ જોશીની સ્મૃતિ માં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ તા ૧૨ મેં ૨૦૨૫ના રોજ રૂબરૂ આવી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૫૧,૦૦૦/- (રૂપિયા એકાવન હજાર) નું માતબર ફંડ આપ્યું હતું અને આપણી સશસ્ત્ર સેનાઓનો આભાર વ્યક્ત કરી સેનાની સેવાઓને બિરદાવેલ હતી. શ્રી વસંતભાઈ જોશી અને તેઓના પરિવારના આ સહયોગ માટે કચેરીના અધિકારી શ્રી હિરેન લીમ્બાચિયાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નાં પ્રમુખ અને કલેકટર, ભુજ તરફથી તેઓનો આભાર વ્યક્ત કરેલ અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસમાં ફાળો આપવા જીલ્લાના નાગરિકોને અનુરોધ કરેલ હતો.
આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવેલ.