
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયતના બે સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી, 22 જુલાઈએ ગાંધીનગરમાં સુનાવણી – પક્ષ પલટો કરનાર પ્રમુખ અને ઉપપ્રમુખને ગાંધીનગરનું તેડું..!!!
અરવલ્લી : મેઘરજ તાલુકા પંચાયતના બે સભ્યો સામે ગુજરાત પક્ષાંતર ધારા–1986 હેઠળ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી શરૂ થઈ છે. ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારીની કચેરી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ મામલે નોટિસ જારી કરી આગામી 22 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર ખાતે સુનાવણી નક્કી કરવામાં આવી છે
મળતી માહિતી મુજબ, મેઘરજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય જયંતિલાલ વાલજીભાઈ અસારી અને ઉમેશકુમાર મોહનભાઈ અસારી દ્વારા તા. 6 જુલાઈ, 2026ના રોજ વિવાદ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ નાનજીભાઈ ખોટ અને અરવિંદભાઈ અમરાભાઈ ખરાડીને ગુજરાત પક્ષાંતર ધારા–1986ની કલમ-3 હેઠળ સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારી દિલીપ રાવલ દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ, આ કેસની સુનાવણી 22 જુલાઈ, 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે ગાંધીનગર સ્થિત ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે યોજાશે. બંને સામાવાળાઓને પોતાના પ્રતિનિધિ અથવા વકીલ સાથે જરૂરી પુરાવા સહિત હાજર રહેવા જણાવાયું છે.
નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સંબંધિત પક્ષકારો સુનાવણી દરમિયાન હાજર નહીં રહે તો તેમની ગેરહાજરીમાં એકતરફી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નોટિસની નકલ જિલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી તેમજ તાલુકા વિકાસ અધિકારી, મેઘરજને પણ જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.આ મામલાની સુનાવણી બાદ પક્ષાંતર ધારા હેઠળ શું નિર્ણય લેવાય છે તેના પર સ્થાનિક રાજકીય વર્તુળોની નજર મંડાયેલી છે.





