Rajkot: લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચા માટે એક્શન સેમિનાર યોજાયો
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત સમૂહમાં ચર્ચા કરી
Rajkot: લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
એક્શન સેમિનાર અંતર્ગત ૧) નાગરિક-કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ ૨)જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન,૩)શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટ, ૪) રેવન્યુ કોર્ટ કેસ – પ્રક્રિયાનું પુનઃ માળખાકીય રચના, ૫)જમીન સંપાદન અને રિસર્વેના પ્રયાસો – વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ,૬)આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધનનું આયોજન,૭)આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવની વહેંચણી વિષયો પર સમૂહ ચર્ચા યોજાઈ હતી. જેમાં દરેક વિષયના મૂંઝવતા પ્રશ્નો, તેના સ્વોટ એનાલિસિસ, બજેટ, તેના નિરાકરણ માટે લેવામાં આવેલા નિર્ણયો અને તેના પરિણામો અન્વયે સહભાગીઓએ મનોમંથન કર્યું હતું.
આ સેમિનારમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ તમામ ગ્રુપમાં ઉત્સાહથી ભાગ લઈ વિવિધ વિષયો પરની ચર્ચાના પ્રતિભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે તમામ ગ્રુપની જૂથ ચર્ચાના અંતિમ પરિણામોની વિગતો જાણી વિષય પર નિષ્ણાત તરીકે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક્શન મેનેજમેન્ટ સેમિનારએ એક એવો અભિગમ છે, જે સંસ્થાના વિવિધ સ્તરોના વ્યક્તિઓને એકસાથે જોડીને સામૂહિક રીતે વિચારવા, ચર્ચા કરવા અને કાર્યક્ષમતા તથા અસરકારકતામાં સુધારો કરવા માટે કાર્યદક્ષ પગલાં પર સંમત થવા માટે સહભાગીતાથી રચાયેલ ફોરમ છે.
સેમિનારમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, ગુજરાત સરકારના જમીન સુધારણા સચિવ શ્રી બી.કે.પંડ્યા, સેટલમેન્ટ કમિશનર શ્રી શાહ, ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ દવે સહિત દેશભરમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.