GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉ.ના 28મા સ્થાપના દિનની સમાજોપયોગી ઉજવણી યાદગાર બની.

શિક્ષણ, આરોગ્ય રોજગારી અને પર્યાવરણ ક્ષેત્રે અનોખું યોગદાન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૨ ઓગસ્ટ : અદાણી ફાઉન્ડેશનના સ્થાપના દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. 28 વર્ષની સફળ સફરના કાર્યક્રમ અંતર્ગત 11 ઓગસ્ટથી એક સપ્તાહ સુધી દરરોજ વૃક્ષારોપણ, કિશોરી ઉત્કર્ષ, શ્રી અન્ન ફૂડ ફેસ્ટિવલ, પશુ આરોગ્ય, હેલ્થ કેમ્પ, જોબ ઓફર અને પ્લેસમેન્ટ, સિંચાઈ જેવી વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, APSEZના એક્સિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઇ શાહ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી સહિત મહાનુભાવોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

અદાણી ફાઉન્ડેશનની 28મી વર્ષગાંઠની સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ મુંદ્રાના બોરાણા ગામમાં 14,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી કરવામાં આવ્યો હતો. પશુધનના આરોગ્ય માટે પ્રવૃત્ત ફાઉન્ડેશને જિલ્લા પશુ આરોગ્ય વિભાગના સહયોગથી 25,૦૦૦ થી વધુ પશુઓનાં રસીકરણ ઝુંબેશનો પ્રાંરંભ કરાવ્યો હતો.

કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત 8 ગામોની શાળાઓમાં “Pink Toilet” બનાવવાના શુભારંભથી કરવામાં આવ્યો હતો. મોટી ખાખરની શાળામાં મામલતદાર કલ્પનાબેન ગોરડીયાની ઉપસ્થિતિમાં તેનું ખાતમુહર્ત કરાવવામાં આવ્યું હતું. “Pink Toilet for girls” એ ગુજરાતની પ્રથમ અને અનોખી પહેલ છે. જેનો મુખ્ય હેતુ કિશોરીઓ માસિકધર્મનો શરમને બદલે સ્વીકાર કરી સ્વચ્છતા રાખે અને સંક્રામક રોગોથી બચે તેવો છે. પર્યાવરણ જાગૃતિ માટે 7૦ ઉત્થાન શાળાઓના 11,000 વિદ્યાર્થીઓમાં ઇકો-ક્લબ પ્રવૃતિઓ પણ શરૂ કરવામાં આવી છે.

શ્રી અન્ન ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત આયોજીત વર્કશોપમાં મહિલાઓ સાથે મિલેટના મહત્વ વિશે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. આ સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પરિવર્તનના પ્રવાસની સમીક્ષા માટે બેઠક યોજી વધુ પ્રભાવશાળી પરિણામો મેળવવા નવા લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા હતા.

અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના 28 પૂર્વ વિદ્યાર્થીઓને અદાણી ગ્રૂપમાં રક્ષિતભાઇ શાહની ઉપસ્થિતીમાં રોજગારી માટેના ઓફર લેટર આપવામાં આવ્યા હતા. તો લૂણી સ્થિત SMJ સ્કૂલમાં 34 માછીમાર પરિવારો સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ માટે સ્કોલરશિપ આપવામાં આવી હતી.

નખત્રાણાના રસલિયા ગામમાં મલ્ટી સ્પેશિયલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયનેક, બાળરોગ અને આંખોના નિષ્ણાતો દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મુખ્ય મહેમાન કચ્છના DHO ડૉ. આર.આર.ફૂલમાલિએ મેડિકલ સહાય અને આરોગ્ય સેવાઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી.

અબડાસા અને લખપત તાલુકામાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત બે હાઇસ્કૂલોમાં ત્રણ ઉત્થાન સહાયકોની નિમણૂંક કરવામાં આવી અને ત્રણ ગામોમાં અદાણી ઇવનીંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાલવાટિકા અને ધોરણ-1 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

છેલ્લા 28 વર્ષથી અદાણી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા ઉપાર્જન, જળસંગ્રહ તથા જૈવવિવિધતાના ક્ષેત્રે અનોખુ યોગદાન આપી રહ્યુ છે. 11 ઓગસ્ટે સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃતિઓ દ્વારા કચ્છના આ સપ્તાહને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

—–

Back to top button
error: Content is protected !!