
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી મુંદરા પોર્ટે ઓટોમોબાઇલ નિકાસમાં નવો ઇતિહાસ રચ્યો : જાન્યુઆરીમાં ૨૫,૭૬૨ કારની નિકાસ સાથે સર્વોચ્ચ રેકોર્ડ
મુંદરા,તા.3: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ના મુંદરા પોર્ટે ઓટોમોબાઇલ નિકાસના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી ૨૦૨૬ના માસ દરમિયાન પોર્ટના સ્પેશ્યલ Ro-Ro (Roll-on/Roll-off) ટર્મિનલ AMCT (CT2) દ્વારા કુલ ૨૫,૭૬૨ કારની નિકાસ કરવામાં આવી છે જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક રેકોર્ડ છે. આ અગાઉ મે ૨૦૨૪માં ૨૪,૪૮૯ કારની નિકાસનો રેકોર્ડ નોંધાયો હતો જેને આ વખતે મોટા અંતરથી વટાવી દેવામાં આવ્યો છે. આ સિદ્ધિની સાથે મુંદરા પોર્ટે ઓપરેશનલ કાર્યક્ષમતાનો નવો દાખલો બેસાડતા એક જ જહાજમાં ૫,૭૦૧ કાર લોડ કરવાનો નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કર્યો છે જે નવેમ્બર ૨૦૨૫ના ૫,૬૨૨ કારના રેકોર્ડને પાર કરે છે.
મુન્દ્રા પોર્ટની આ અસાધારણ સફળતા પાછળ તેની અત્યાધુનિક સુવિધાઓ અને કાર્યદક્ષ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનો મોટો ફાળો છે. ભારતમાં ઉત્પાદિત કારો હવે મુંદરા પોર્ટના માધ્યમથી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન અને ગલ્ફ દેશો જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા અને સલામતીના ઉચ્ચતમ ધોરણો જાળવીને યાર્ડથી જહાજ સુધી કારનું સુચારૂ પરિવહન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું જે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવે છે.
ઓટોમોબાઇલ ક્ષેત્રની સાથે મુંદરા લિક્વિડ ટર્મિનલે પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા જાન્યુઆરી ૨૦૨૬માં ૧.૧૨૦ MMT (મિલિયન મેટ્રિક ટન) કાર્ગો હેન્ડલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ આંકડો ડિસેમ્બર ૨૦૨૫ના ૧.૦૩૬ MMT ના અગાઉના રેકોર્ડ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આમ વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલિંગ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અદાણી પોર્ટ્સ ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સફળતામાં ટીમ વર્ક અને ભાગીદારોના સંકલનનો સિંહફાળો રહ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




