
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૩ જાન્યુઆરી : વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં સમગ્ર ભારતમાં ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવે છે.સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાતા યુવા દિન અંતર્ગત વ્યસનમુક્તિ અભિયાન સંદર્ભે અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર ખાતે રેલી અને પ્રેરક પ્રસંગો આધારિત બાળકોમાં તેમજ સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યુવાદિન ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય તેમજ શાળા પરંપરા અનુસાર કાર્યક્રમના પ્રારંભે મહેમાનશ્રીઓનું બૂક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ જીલ્લા પંચાયત સદ્સ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્વામીજીના જીવનકવનની આછેરી માહિતી પૂરી પાડવામાં આવી. તેમજ ભદ્રેશ્વરના માજી સરપંચશ્રી ઉમરભાઈ કુંભાર અને નિર્મળસિંહ જાડેજા અને ગામના સામાજિક યુવા કાર્યકર પ્રતિપાલસિંહ જાડેજાએ પણ તેમના જીવન સંઘર્ષો તેમજ સતત પરિશ્રમ દ્વારા મેળવેલ સફળતા અંગે બાળકો સમક્ષ સ્વજીવન અનુભવો રજુ કર્યા.શાળાના વિદ્યાર્થી ધોરણ-10 ના માંજલીયા નજીર દ્વારા કાર્યક્રમના સમગ્ર સંચાલન સાથે વિકસિત ભારત મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ધોરણ- 8 ની વિદ્યાર્થીની દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અંગે બાળકોને પરિચય આપેલ તેમજ ધોરણ – 8 અને 9 ના બાળકો દ્વારા વિવેકાનંદજીના જીવનના પ્રેરક પ્રસંગોની રજૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભદ્રેશ્વર ગામમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં શાળાના ધોરણ-7 થી 9 ના 139 બાળકો તથા આમંત્રિત મહેમાનો અને શાળાનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા. આ રેલી દ્વારા ગામના મુખ્ય ચોક પાસે સભા સ્વરૂપે આજુબાજુના લોકોને એકત્રિત કરી અદાણી ફાઉન્ડેશનના ડૉ. નરેન્દ્રભાઈ ડોડીયા અને ડૉ. સંજયભાઈ પરમાર દ્વારા હાલના સામાન્યથી માંડી ગંભીર વ્યસનો કે જેનાથી લોકો આદિ થઈ ગયા છે અને જેના લીધે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે પતનના માર્ગે લઈ જનારા આ દૂષણોને ડામવા અને શક્ય હોય તો જડમૂળથી ઉખાડી એક સ્વસ્થ જીવન જીવવા પ્રેરણા મળે એ હેતુસર સમગ્ર ગ્રામજનો અને ઉપસ્થિત તમામને આ બાબતથી વાકેફ કર્યા અને રેલી સ્વરૂપે ગામમાં સૂત્રોચ્ચાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાનો પ્રારંભ કર્યો. આ જાગૃતિ કાર્યક્રમ આટલેથી ન અટકતા હવે સમયાંતરે આ બાબતે શાળા, વાલીઓ અને સમાજમાં પણ વ્યસનનું પ્રમાણ ઘટે એ દિશામાં શાળાના બાળકો અને શાળા વ્યવસ્થાપન હરહંમેશ અગ્રેસર રહી આ અભિયાનને જીવંત રાખી સતત કાર્યશીલ રહેશે. તેવા ભાવ સાથે સૌ છૂટા પડ્યા.ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશપ્રેમની ભાવના જગાડવી અને તેમને સમાજ સેવા તરફ પ્રેરિત કરવાનો છે. સ્વામી વિવેકાનંદના વિચારોને જીવંત રાખીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવાનો છે અને મુખ્ય ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના પ્રેરક વિચારોને યુવા પેઢી સમક્ષ રજૂ કરી સમાજને વ્યસન મુકત બનાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી ડૉ. આશુતોષ ઠાકરના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો કિશોરભાઈ આયડી તથા મહેશભાઈ મહેશ્વરી તથા શાળાના કૉ- ઓડીનેટરશ્રી પકંજભાઈ વારીયાએ જહેમત ઉઠાવી બાળકોના સહકાર થકી કાર્યક્રમને સફળ બનાવ્યો.






