GUJARATKUTCHMUNDRA

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર ખાતે અનોખા પ્રવેશોત્સવનું આયોજન.

સંસ્કાર સિંચન સહિત બાળકોના સર્વાંગી વિકાસ માટેનો સ્તુત્ય પ્રયાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૯ જૂન : અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB) ખાતે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. શૈક્ષણિક જીવનમાં પાપાપગલી માંડતા નાના ભૂલકાઓને સ્નેહસભર આવકારવામાં આવ્યા. બાળકોના શાળાકીય જીવનને યાદગાર બનાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજનપણ કરવામાં આવ્યુ હતું. જેમાં ભારતીય નૌકાદળના કમાન્ડર અભિજીત અભ્યંકરે મુખ્ય અતિથિ તરીકે શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

શૈક્ષણિક વર્ષ 2025-26 ના પ્રવેશોત્સવને યાદગાર બનાવવા બાળકો માટે એક ‘વેલકમ વોલ’ તૈયાર કરવામાં આવી હતી. બાળકોએ શાળામાં પ્રવેશતા જ પોતાના નાનકડા હાથોની કંકુ વડે છાપ પાડી પોતાની આગવી ઓળખ આપી હતી. પ્રથમ દિવસની યાદોને કંડારવા માટે એક સેલ્ફી ઝોનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિઓનું કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શાળાની મુલાકાત લઈ બહાર પ્રાંગણમાં બાળકો અને તેમના વાલીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. ત્યારબાદ શાળાના બીજા વિદ્યાર્થીઓ દ્વારા આ નાના બાળકોને આંગળી પકડી ઢોલ સાથે વાજતે-ગાજતે મહેમાનશ્રી અને શાળાના આચાર્ય સાથે રીબીન કાપી પ્રવેશ મેળવ્યો હતો.ગાયન, વાદન અને નૃત્યને માણ્યા પછી કોર્ડીનેટરે બાળકોને શાળાના નિયમો જણાવી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વાલીઓ અને બાળકોને લાગુ પડતા દરેક નિયમો સમજાવ્યા હતા. જેથી શાળાના નિયમોથી વાલીઓ અને બાળકો અવગત થાય. પધારેલ અતિથિએ શાળાના વિઝન, આયોજન અને સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની વિશેષ પ્રસંશા કરી હતી. પ્રકૃતિ સાથે સહસંબંધ કેળવાય તે હેતુથી દરેક બાળકને છોડ અર્પણ કરવામાં આવ્યા હતા. તે છોડનું પાલનપોષણ બાળક પોતાના ઘરે કરે અને સતત તેની માહિતી શાળામાં આપતાં રહે. એટલું જ નહીં પરંતુ કમાન્ડર અભ્યંકરે પણ આચાર્યશ્રી તેમજ બાળકો સાથે મળી શાળાના પ્રાંગણમાં છોડ વાવી પ્રકૃતિપ્રેમ અને જાળવણીનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે બાલવાટિકાના બાળકો સાથે તેમના વાલીઓ હોંશભેર જોડાયા હતા. અદાણી વિદ્યામંદિરમાં બાળક માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પણ સંસ્કાર, મૂલ્યો, અને સામાજિક કૌશલ્યો પણ શીખે છે, જે તેને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવે છે.

Back to top button
error: Content is protected !!