AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વન અધિકારના પ્રશ્નો: આદિવાસી મહાસભાએ કમિશ્નરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણની માંગ કરી..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-૨૦૦૬ (Forest Rights Act – FRA) હેઠળના વ્યક્તિગત અને સામુહિક દાવાઓમાં વર્ષોથી ચાલી રહેલા પડતર પ્રશ્નોનાં તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ડાંગ જિલ્લા આદિવાસી મહાસભા ડાંગ એકમ દ્વારા નિયામક, આદિજાતિ વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.મહાસભાએ ગંભીર કાયદાકીય ખામીઓ અને નિયમોના ભંગ તરફ ધ્યાન દોરીને હજારો આદિવાસી દાવેદારોને તેમના કાયદેસર હકથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ડાંગ જિલ્લામાં વન અધિકાર કાયદો-૨૦૦૬, તેના નિયમો-૨૦૦૮/૨૦૧૨, તેમજ કેન્દ્રીય અને રાજ્ય સરકાર દ્વારા સમયસર બહાર પાડવામાં આવેલા પરિપત્રો અને કાર્યપદ્ધતિનું યોગ્ય પાલન કરવામાં આવ્યુ નથી.આના પરિણામે હજારો આદિવાસી દાવેદારો છેલ્લા ઘણા વર્ષોથી તેમના કાયદેસર હક અને અધિકારોથી વંચિત રહેવા મજબૂર બન્યા છે.મહાસભાએ વ્યક્તિગત વન અધિકાર (IFR) દાવાઓમાં રહેલી ગંભીર કાયદાકીય ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે. તેમાં મુખ્યત્વે વ્યક્તિગત દાવાઓમાં રીવીઝન અરજીઓનો યોગ્ય નિકાલ ન થવો,બહુ-પ્લોટ દાવાઓ (Multi-plot claims) અંગેની મૂંઝવણ,ગીર ફાઉન્ડેશન આધારિત અભિપ્રાય સામે કરાયેલી અપીલોનું નિરાકરણ ન આવવું,મંજૂર થયેલા દાવાઓની રેવન્યુ નોંધણીમાં નિયમ મુજબ ૧૩૫-ડીની નોટીસ આપ્યા વિના કરાતી કાર્યવાહી. મહાસભાનું કહેવું છે કે આ તમામ બાબતો કાયદાકીય ગંભીર ખામીઓ દર્શાવે છે.સામુહિક વન અધિકાર (CFR) દાવાઓની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. કાયદાના મૂળ આત્માને હાનિ પહોંચાડતી ભૂલો તરીકે

ગ્રામસભાને મળવાપાત્ર છ (૬) અધિકારો અંશતઃ કે સંપૂર્ણપણે ન આપવા,અભ્યારણ વિસ્તારમાં આવેલા ગામોને વન અધિકારપત્રથી વંચિત રાખવા,દાવાઓમાં ખોટા ક.નં. (ખસરા નંબર) અને ક્ષેત્રફળ ફાળવવા જેવી ભૂલો થવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.આદિવાસી મહાસભાએ નિયામકને વિનંતી કરી છે કે વન અધિકાર કાયદો-૨૦૦૬, તેના નિયમો, કેન્દ્રીય આદિજાતિ મંત્રાલયના સને ૨૦૧૫ના પરિપત્ર, તારીખ ૧૯/૦૭/૨૦૨૫ની કાર્યપદ્ધતિ, તારીખ ૨૨/૧૦/૨૦૨૫ના પરિપત્ર તેમજ માર્ચ-૨૦૨૪ના સંયુક્ત પરિપત્ર અનુસાર ડાંગ જિલ્લાના તમામ પડતર વ્યક્તિગત અને સામુહિક દાવાઓના ન્યાયસંગત અને પારદર્શક નિકાલ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે.આ હેતુસર, તાલુકા તથા જિલ્લા કક્ષાની વન અધિકાર સમિતિઓને કમિશ્નરની કક્ષાએથી તાત્કાલિક સ્પષ્ટ સૂચનાઓ/આદેશો પાઠવવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.મહાસભાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ તાત્કાલિક અને ન્યાયપ્રદ કાર્યવાહીથી ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને તેમના બંધારણીય અને કાયદેસર હકો પ્રાપ્ત થશે..

Back to top button
error: Content is protected !!