નવસારી: પૂરના પાણી ઓસર્યા બાદ નવસારી જિલ્લામાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી: તંત્ર એક્શન મોડમા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
36,088 પરિવારોને ₹6.43 કરોડથી વધુની કેશડોલ સહાય • 121 ટીમો સર્વેમાં વ્યસ્ત • 4.44 લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ • વીમા ક્લેમના ઝડપી નિકાલ માટે કલેક્ટરની વીમા કંપનીઓને સૂચના
નવસારી, સોમવાર: નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ જિલ્લા કલેક્ટર મનિષ ગુરૂવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત, પુનઃસ્થાપન અને આરોગ્ય સુરક્ષાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ સહાય, ઘરવખરી સહાય, મકાન અને પશુમૃત્યુના સર્વે, જાહેર સ્થળોની સ્વચ્છતા, રોગચાળો અટકાવવાના પગલાં તેમજ વીમા દાવાઓના ઝડપી નિકાલ માટે વિવિધ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 36,088 અસરગ્રસ્ત પરિવારોને ₹6.43 કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત ઘરવખરી સહાય હેઠળ ₹43.17 લાખની સહાય આપવામાં આવી છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 121 ટીમો દ્વારા ઘરવખરી, મકાન નુકસાન અને પશુમૃત્યુ અંગે સર્વે અને ચકાસણીની કામગીરી સતત ચાલુ છે.
પૂરનું પાણી ઓસર્યા બાદ જાહેર માર્ગો, ગામો અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. કાદવ દૂર કરવા, કચરાનો નિકાલ કરવા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે.
જિલ્લામાં મોટર વાહનો, રહેણાંક તથા વેપારી મિલકતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને વીમા દાવાઓનો ઝડપી નિકાલ કરવા અનુરોધ કર્યો છે. કંપનીઓને પૂર માટે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરવા, મોબાઇલ સર્વે ટીમો તૈનાત કરવા, ડિજિટલ ક્લેમ પ્રક્રિયા અપનાવવા અને 72 કલાકમાં સર્વે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
પૂર બાદ ચેપી અને પાણીજન્ય રોગો અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગે વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. 368 સર્વેલન્સ ટીમોના 1,796 સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 4,44,748 લોકોનું આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ઉપરાંત 459 મેડિકલ કેમ્પોમાં 6,724 દર્દીઓને સારવાર અને દવાઓ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે 1,60,443 ક્લોરિન ટેબ્લેટ, 6,387 ઓ.આર.એસ. પેકેટ અને 1,30,279 ડોક્સીસાયક્લિન કેપ્સ્યુલનું વિતરણ કર્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વેક્ટરજન્ય રોગો સામે એન્ટી-લાર્વલ કામગીરી, ઘર-ઘર જાગૃતિ અને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ સતત ચાલી રહી છે.
જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે અસરગ્રસ્ત દરેક પરિવાર સુધી સહાય પહોંચે, આરોગ્ય સેવાઓ સતત ઉપલબ્ધ રહે અને જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત કામગીરી ચાલુ રહેશે.



