Rajkot: ‘કારગિલ વિજય દિવસ’ નિમત્તે રાજકોટમાં એન.સી.સી. કેડેટ્સની બાઈક રેલી યોજાઈ

તા.૨૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ક્રાઈસ્ટ કોલેજના ૧૦૦ જેટલા કેડેટ્સ બાઈક રેલીમાં જોડાયા, મેયર સહિતના મહાનુભાવોએ બાઈક રેલીનું સ્વાગત કર્યું
Rajkot: ગતરોજ તા. ૨૬ જુલાઈના દેશભરમાં ૨૭માં ‘કારગિલ વિજય દિવસ’ ની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ક્રાઈસ્ટ કોલેજના ૧૦૦ જેટલા એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘કારગિલ વિજય દિવસ’ નિમિત્તે તિરંગા અને દેશભક્તિના નારા સાથે બાઈક રેલી યોજાઈ હતી.
આ બાઈક રેલીને કોલેજ ખાતેથી પ્રિન્સિપાલ ડો. ઇવન ફર્નાન્ડિઝે લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા સાથે સજ્જ કેડેટ્સની બાઈક રેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવી પહોંચતા ફીઝીકલ એજ્યુકેશન વિભાગના ડીરેક્ટર ડો. હરીશ રાબાએ બાઈક રેલીનું સ્વાગત કર્યું હતું. અહીંથી રેલી કિશાનપરા ચોક ખાતે પહોંચતા મેયરશ્રી ડો. નેહલ શુક્લએ રેલીનું સ્વાગત કરી તેને લીલી ઝંડી દેખાડી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું.
‘ભારત માતા કી જય’ , ‘વંદે માતરમ્’ ના નારા સાથે બાઈક રેલી ટુ-ગુજરાત બટાલિયન, એન.સી.સી. હેડ ક્વાર્ટર ખાતે આવી પહોંચતા કમાન્ડિંગ ઓફિસરશ્રી કર્નલ સંદેશસિંગએ રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
સમગ્ર રેલી ક્રાઈસ્ટ કોલેજના એન. સી. સી. ઓફિસરશ્રી દિવ્યરાજ જાડેજાના માર્ગદર્શનમાં રાજકોટ શહેરના જુદા જુદા રૂટ પર ફરી રાજકોટવાસીઓમાં દેશપ્રેમનો સંદેશ પાઠવ્યો હતો.





